Archive for the ‘સ્વ-રચિત’ Category

મારી નવી સાઈટની મુલાકાત લો..!

મે 4, 2010

આપ સૌને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે મારા ત્રણ બ્લોગને સાંકળતી આ મારી પોતાની વેબસાઈટ ચાલુ કરી છે…! છેલ્લા થોડા દિવસથી વેબસાઈટને ઉભી કરવામાં અને વાચક મિત્રોને બધી સગવડતા મળી રહે તે માટે મથામણ કરતો હતો…! સૌથી મોટી તકલીફ પડી ત્યારે કે જ્યારે બધી પોસ્ટને ઇમ્પોર્ટ કરી અને મારી વેબસાઈટ પર ગુજરાતીને જગ્યાએ ??? પ્રશ્નાર્થ ચિન્હો દેખાવા લાગ્યા…!
પછી થઈ ખરી શરુઆત… બહુ મથામણ કરી… આમ તો કોમ્પ્યુટર ઈન્જીનીયર હોવાથી મને બહું તકલીફ પડતી નથી મારા બ્લોગ સંબંધી કોઈ પણ મુસ્કેલીઓ માટે… પણ આ વખતે હું જાણે ફસાઈ ગયો હતો… અને ત્રણ દિવસના અથાગ પ્રયત્ન પછી વર્ડપ્રેસનુ વર્ઝન ડાઉનગ્રેડ કર્યુ અને ચમત્કાર થયો અને બધુ બરાબર ચાલવા લાગ્યું…!
હવે વાત… થોડા પરિવર્તનોની… ત્રણ બ્લોગ એકજ જગ્યાએ… અવાજ અને દૃશ્યની સગવડતા અને અન્ય ઘણી સગવડતાઓ સાથે આપ નીચે જણાવેલી વસ્તુઓ અપેક્ષી શકો છો…
બ્લોગ ૧ – શબ્દ સાગરના કિનારે – (http://vortexofwords.com/shabd/) – મારી લખેલી તથા મને ગમતી રચનાઓ… શક્ય હોય ત્યાં અવાજ અને દૃશ્ય સાથે… ઉપરાંત, હાસ્ય જગત વિભાગમાં ગુજરાતી હાસ્ય જગતનો સૌથી મોટો ખજાનો… મિર્ઝા ગાલિબ વિભાગમાં જનાબ મિર્ઝા ગાલિબની રચનાઓનુ સૌથી મોટા પાયે ગુજરાતીમાં અનુવાદનો સ્વ-રચિત સંગ્રહ…
બ્લોગ ૨ – વિચારોના વમળમાં – (http://www.vortexofwords.com/thoughts/) – મારો તાજેતરમાં ચાલુ થયેલો બ્લોગ કે જે સળાગતા સવાલોને વિચારોના વમળમાં મુકીને તેનુ મનોમંથન કરે છે…
બ્લોગ ૩ – ભકિતરસ – (http://www.vortexofwords.com/god/) – પ્રભુભકિતની વાતો… ભજન… આરતી… પ્રભાતિયા… આધ્યાત્મની વાતો… સ્વર સહિતની રચનાઓ… અને અન્ય પ્રભુમય ગમતીલી વાતો…
આપ સૌને ભાવભીનુ આમંત્રણ છે મારી નવી વેબસાઈટની મુલાકાત લેવા માટૅ…! મિત્રો કે જેઓ પોતાના બ્લોગ પર ગુજરાતી બ્લોગ જગતની સુચી ધરાવે છે તે બધાને મારા બ્લોગની લીંક અપડેટ કરવાની નમ્ર નિવેદન…
આપનો મિત્ર
રાજીવ

Advertisements

Vortex of Thoughts / વિચારોના વમળમાં…

એપ્રિલ 18, 2010

Vortex of Thoughts / વિચારોના વમળમાં...

હમણાં થોડા સમયથી સમય મળતો નથી… પોતાના માટૅ… કંઈ નવુ વિચારવા માટૅ… કઈ નવું લખવા માટૅ… અને ખબર નહી કેમ પણ જીવનમાં કંઈ ખુટ્તુ હોય તેવુ લાગ્યા કરે છે… ખાસા ત્રણ વરસ સુધી બ્લોગજગતમાં સક્રીય રહ્યા બાદ અચાનક જાણે ઊર્મિઓની ખોટ સાલવા લાગી અને શબ્દોના અભાવે અંતરના આવેગોને ઓસરાવી દીધા… શબ્દ-સાગરના કિનારે, કે જ્યાં લાગણીની ભરતી આવતી હતી ત્યાં હવે ઓટ વરતાવા લાગી…!

થોડા સમય સુધી અંદરના અને અંતરના આવેગોને વિસારી દિધા બાદ આજે ફરીથી કઈ નવા સ્વરુપે આરંભ કરવાનુ મન થઈ રહ્યું છે… પણ હવે પદ્યને બદલે ગદ્યનો આસરો લેવાનો વિચાર છે…

મારા નવા બ્લોગનુ નામ છે “વિચારોના વમળમાં…”

અહી આ નવા બ્લોગમાં હું આપ સૌનો પહેલા જેવોજ મીઠો સહકાર અને સાથ ઝંખીશ અને મને વિશ્વાસ છે કે આપ સૌ ગુજરાતી સાહિત્ય રસિક મને સહકાર આપશો જ…!

મારા બ્લોગ વિશે વધુ જાણવા નીચેની લીંક પર ક્લીક કરો…!

About Blog / આ બ્લોગ વિશે…!

મારા બ્લોગ પરની પ્રથમ પોસ્ટ વાંચવા માટે નીચેની લીંક પર ક્લીક કરો…!

Why sometimes I got tears in my eyes? / મારી આંખો કેમ ભરાઈ આવે છે?

આપના પ્રતિભાવોની અપેક્ષા સહ…

આપનો મિત્ર

રાજીવ

નાથ તમે તુલસીના પાંદડે તોરાણા…

જુલાઇ 13, 2009

ગુણ તો ગોવિંદના ગવાણા,
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.

હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા,
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.

બોડાણે બહુ નામીને સેવ્યા, બોલણીયે બંધાણા,
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણા.
હે જી નાથ તમે તુલસીના પાંદડે તોરાણા

હેમ બરાબર મુલ કરીને વાલ સવામાં તોરાણા,
બ્રહામણને જ્યારે ભોંઠપણ આવ્યુ ત્યારે સખીઓને વચને વેચાણા.
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.

મધ્ય ગુજરાતમાં રચી દ્વારીકા, ભેદ પુરાણે વંચાણા,
હરીગુરુ વચને કહે વણલાખો જગત બધામાં જણાણા.
હે નાથ તમે તુલસીના પાંદડે તોરાણા.

હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા
નાથ તમે તુલસીના પાંદડે તોરાણા

સ્વરઃ પ્રાણલાલ વ્યાસ

ઓસ્ટ્રેલીયા, રેસીઝમ અને સત્ય

જૂન 27, 2009

1799513850_65e6c67264

મિત્રો,

આપ સૌ તો જાણો જ છો, કે હું મારી પત્ની સાથે ત્રણ વરસથી અહી મેલબોર્ન ખાતે આવીને વસ્યો છું. હમણાં હમણાં ભારતીયો પર થયેલા હુમલા અને ભારતીય મીડીયા એ જેને પહાડ બનાવીને સામાન્ય માણસો સામે મુક્યો તે રાયનો દાણો હું તમને મારી નઝરથી બતાવવા માંગુ છું. અહી ત્રણ વરસમાં મને થયેલા અનુભવો અને મે જોયેલા અને જાણેલા ઓસ્ટ્રેલીયન માનવીઓ અને હાલમાં થયેલા બધા હુમલાઓને હું એક સાથે અહીં આપ સૌને બતાવવા માંગુ છું. આશા રાખુ કે તમે બધા પણ પોતાની અંદરની ઉભરાતી ભારતીયતાને થોડી વાર માટે બેસાડી આ વાંચશો અને વિચારશો.

મારો પ્રથમ પ્રશ્ન – રેસીઝમ કોનામાં નથી ????

મિત્રો… વિચાર કરો… તમારા શહેરમાં બીજા પ્રદેશના માણસો આવે, તમારી ભાષાને અને તમારા કલ્ચરને સમજ્યા વગર તે મન ફાવે તેવુ વર્તન કરે… તમારી નોકરીઓમાં ભાગ પડાવે… અને બીજુ ઘણું કરે… તો શું તમને તે ગમશે?

માણસ માત્ર, બેઝીકલી, રેસીસ્ટ છે… તે કાળો હો કે ગોરો… પ્રમાણ થોડુ ઓછું વધારે હોય શકે…! આપણા દેશમાંજ એક પ્રદેશના લોકો બીજાને મારવામાં કે હલ્કા બતાવવામાં પાછળ ફરીને જોતા નથી [જ્યારે છે તો તે બધા ભારતીયો જ ને ???] તો વિચારો બીજા દેશ અને સંસ્કૃતિના માણસ માટે માનવી કઈ હદે જઈ શકે???

આપમાંથી ઘણા મારી સાથે સહેમત નહી હોય અને કદાચ એનુ એક કારણ એ છે કે તેઓ તેવી પરિસ્થીતિમાંથી પસાર નહી થયા હોય. એક સુંદર ઉદાહરણ અનામતનો પ્રશ્ન છે… જુઓ, સમજો અને વિચારો…!

શું ખરેખર ઓસ્ટ્રેલીયાના લોકો રેસિસ્ટ છે???

આનો સીધો, સાદો, સરળ અને સાચો જવાબ છે – “ના”

આ સમજાવવા માટે થોડા પ્રશ્ન અને ઉદાહરણ આપુ છું… શું આપણે બધા હિન્દુઓ બધા જ મુસલમાન લોકોને નફરતની નજરે જોઈએ છીએ…? શું દરેક મુસલમાન ભાઈ બહેન આપણને નફરતની નજરથીજ જોતા હશે…? શું ઓસ્ટ્રેલીયામાં ફરતો દરેક માણસ મુળભુત રીતે ઓસ્ટ્રેલીયન જ છે…? શું દરેક ગામ હોય છે ત્યાં ઉકરડો નથી હોતો…?

ઉપરના સવાલો તમને કઈક વધુ વિચારવા મજબુર કરે તો મને ગમશે…! બધાજ જાતી ધર્મ અને વિવિધ માન્યતા વાળા લોકોના ટોળામાં અમુક માણસો એવા હોય છે કે જેને અથવા તો જેના વર્તનને સામાન્ય માણસ ક્યારેય સમજી કે વધાવી શકતો નથી.

ઓસ્ટ્રેલીયામાં લગભગ દુનિયાના દરેક ખુણામાંથી આવીને લોકો વસ્યા છે અને બધા સારી રીતે એકમેકની સાથે હળીમળીને રહે છે… કોઈ કોઇના જીવનમાં ડખલ કરતુ નથી… પણ સમય અને સંજોગ ક્યારેક વિપરીત હોય છે… દિવસના અજવાળામાં એકદમ સજ્જન લાગતો માણસ કે જેણે રંગ અને જાતીના ભેદભાવને પોતાની અંદર દફનાવી દીધા હોય તે માણસ રાતના અંધારામાં અને દારુ કે બીયરના નશામાં તેની અંદરના રાક્ષસ પરનો કાબુ ગુમાવી દેતો હોય છે… આપણી ભલાઈ એ જ છે કે આપણે એવા સમયે તેને એકલો રહેવા દઈએ…! અને એક બીજી વાત કે બધા એવા નથી… ઘણા એ એ રાક્ષસને એટલો અંદર દફનાવ્યો હોય છે કે તે બહાર ક્યારેય કોઈ પણ સંજોગમાં આવી જ નથી શક્તો.

જે લોકો હજી અણસમજુ છે અને કોઇ કામધંધા વગરના છે તેઓ પાસે આવુ કઈ કરવાનો અને લોકોને હેરાન કરવાનો કે તેમને ઇજા પહોચાડવાનો સમય નીકળે છે…!

ભારતીય મીડીયાનો રોલ…

ભારતીય મીડીયા અને પોલીટીક્સ… વાહ રે વાહ… મને તો એક વાતનીજ ખબર નથી પડતી કે ત્યાં બેઠા બેઠા ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કરના તંત્રીઓને અહી શું બની રહ્યુ છે અને લોકો કેટલા ભય ને બિકમાં જીવી રહ્યા છે તેની જાણ કઈ રીતે થઈ જાય છે ??? અને એકદમ મસાલેદાર ખબર બનાવીને પહેલા પાના પર છાપી નાખશે… એમનુ પેપર તો વેચાયુ.. સત્ય ગયુ ભાડમાં…! અને આપણા રાજકારણીઓને લોકોના પુતળા બાળવાનો સમય તો ગમે ત્યારે મળી જ રહે છે…! 😉 આવા બધા ખોટા મસાલેદાર અને ચડાવીને કહેવાયેલ સત્યને હું સત્ય ગણતો નથી…!

હું હજી ભારતીય જ છું !!!

મિત્રો, એક વાત સ્પષ્ટ કરી દઊ કે હું ભલે ઓટ્રેલીયાનો પરમેનન્ટ રેસીડેન્ટ છું અને થોડા વખતમાં નાગરીક પણ બની જઈશ પણ હજી હું ભારતીય જ છું અને હમેંશા રહીશ… જે થયુ તેનુ મને ભારો ભાર દુઃખ છે… પણ હું છતાં ઓસ્ટ્રેલીયાના બધા લોકોને રેસીસ્ટ માનવા તૈયાર નથી… કોઈ એકાદ-બે માણસોના પાપને આપણે આખા સમાજ પર ના ચઢાવી શકીયે… અને ના ચઢાવવુ જોઈએ…!

હું પણ અહી સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો અને મારો અભ્યાસ પુર્ણ થવા સુધી કે ત્યાર પછી પણ મને કોઈ ખુબ જ ખરાબ રેસીઝમનો અનુભવ થયો નથી…

અને રહી વાત સલામતીની… તો શું ભારતીયો માટે ગુજરાત સલામત છે? મુંબઈ સલામત છે? ભારત સલામત છે? મે હિન્દુ મુસ્લીમનો રોષ અને તેમને બધાને વેરભાવની આગમાં સળગતા અને સામે વાળાને સળગાવતા મારી નજરે જોયા છે… ચાર મહિના સુધી કરફ્યુ અને આર્મીના બંદોબસ્તમાં અમે ગાળેલા છે… વાધોડીયા રોડના રહેવાસી તરીકે અમે મુસ્લીમોના અને હિન્દુઓના ઘરોને અને સ્ત્રી અને પુરુષોને સળગતા અને સળગાવતા જોયા છે…! અને આવુ તો કેટલુય છે જે યાદ આવતા હજી એ રુવાંટા ઉભા થઈ જાય છે…!

લાંબા રુટની ટ્રેનોમાં એક રાજ્યના લોકો બીજા રાજ્યાના માણસોને કોઇ કારણ વગર માર મારતા અમે જોયા છે, કે તે સાલાઓ અમારા ડબ્બામાં આવી કઈ રીતે શકે…???

એમ. એસ. યુનીની કોલેજોમાં અને હોસ્ટેલોમાં ગુંડાગર્દી અને ભયનુ ગંદુ રાજકારણ મે જોયેલુ છે. દારુ પીયને એકબીજા સાથે લડતા અને ઝઘડતા સ્ટુડ્ન્સને ખુબ નજીકથી જોયા છે…

આપણે જયારે કોઈને રેસીસ્ટ કહીયે ત્યારે આપણે આ બધુ કેમ ભુલી જઈએ છીએ…?

તમારો પુત્ર કે પુત્રી જ્યારે કોઈ બીજા કે તમારા શહેરમાંજ ભણવા જાય છે ત્યારે તેમને કોઈ હેરાન કરે કે મારે તેની શક્યતા તે જો વિદેશમાં જઈને ભણે અને ત્યાં તેને કોઈ હેરાન કરે કે મારે તેના કરતા વધારે છે.

બોટમ લાઈન

સામાન્ય માણસે બધેજ સાવચેતી અને સલામતીથી અને આવા અસામાજીક તત્વોથી બચીને રહેવાનુ હોય છે…! પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી ઓસ્ટ્રેલીયા…!

આપનો મિત્ર

રાજીવ

મર્મ સમજાતો નથી

મે 6, 2009

(ફુલોના ઉગવાનો મર્મ - પોર્ટ કેમ્પબેલ - ઓસ્ટ્રેલીયા - ૨૦૦૯)

(ફુલોના ઉગવાનો મર્મ - પોર્ટ કેમ્પબેલ - ઓસ્ટ્રેલીયા - ૨૦૦૯)

નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી,
ને સફળતાનો કોઇ અમને, માર્ગ દેખાતો નથી.

શમણાં બધા સુખો તણાં, આવ્યા અને ચાલ્યા ગયા,
આંખો તણી આ પ્યાસનો, પ્રવાસ રોકાતો નથી.

કુંપળ ઉગે છે એક જ્યાં, સુકા પત્તા તુટી પડે,
જીવન અને મૃત્યુ તણો, આ મર્મ સમજાતો નથી

બેબશ પ્રભુ, અમને બધાને કેમ રે છોડી દીધા,
જાણે અમારી સાથ તારો, કોઈ પણ નાતો નથી.

જીવન તણાં આ ભારને માથે મુકી ભમતો રહ્યો,
ને આજે મારા શ્વાસનો, આ ભાર ઉચકાતો નથી.

મીઠી તમારી વાતમાં ‘રાજીવ’ ખોવાયો હતો,
જુઓ હવે તે કોઈની વાતોથી ભરમાતો નથી.

છંદવિધાનઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

રચનાઃ રાજીવ ગોહેલ

રાહ… જોવાની છે આપણે !

એપ્રિલ 1, 2009
dsc00118

(થોડી (ઘણી) રાહ... - ગ્રેટ ઓસન રોડ પરનુ એક લુક-આઉટ, ૨૦૦૯)

પ્રિયે…,

જરા વિચારને… મારી સાથે… મારી માફક…!
જ્યારે આપણે, હું અને તું…
સાથે જીવીશું… સાથે રહીશું… સાથે ફરીશુ…
ત્યારે જીવન, કેવુ હશે…?

પણ, એ વિચારતા પહેલા,
થોડી (ઘણી) રાહ… જોવાની છે આપણે !

શા માટે??? શા માટે આપણે જ…?
મન મળી ગયા પછી, શું મૂર્હત ને શું ચોઘડીયા?
મન મેળાપ આગળ…
હસ્ત મેળાપની શી વિસાત ?

પણ, એ વિચારતા પહેલા,
થોડી (ઘણી) રાહ… જોવાની છે આપણે !

હજી તો… મારે, તારા માટૅ,
મંગળસુત્ર લેવાનુ છે.
અને બીજુ કઈ કેટલુય, તારા માટે.

મારે પણ એક સુટ કે શેરવાની જોઈશે ને !
ક્યો કલર પસંદ કરુ? તને ક્યો રંગ ગમશે?

કેટલી વાતો અને મુલાકાતો બાકી છે…
અને સમય બહુ થોડો જ બાકી છે…!
પણ તે થોડો સમય પણ, કહે ને મને,
કેમ કરીને વિતશે, તારા વગર?

પાંખો પસારી ઉડી આવવા, તારી પાસે
મન હરપળ ઝંખ્યા કરે છે.
મારુ મન તો હરએક ક્ષણે તને છાનુમાનુ,
જઈને અડી આવ્યા કરે છે.

અને કઈ કેટલીય આશાઓ અને,
અભિલાષાઓના સપનાઓમાં,
એકમેકની સાથે રંગ ભરવાનો છે આપણે…

પણ, એ વિચારતા પહેલા,
થોડી (ઘણી) રાહ… જોવાની છે આપણે !

– રાજીવ ગોહેલ

…લખું

માર્ચ 18, 2009

લાવને હું પ્રેમની વાતો લખું,
જાગતા કાઢી’તી તે રાતો લખું.

તારી આંખોમાં ખુદને શોધવા,
મે કરી’તી તે તહ્કીકાતો લખું.

તું કહે તો ચાંદ પણ લાવી દઉ,
નામ તારા, સૌ ઝવેરાતો લખું.

ઉંધમાં મળતા રહીયે હું ને તું,
ને ઉઠી આપ્ણી મુલાકાતો લખું.

હૃદયના પાને હળ્વેથી રોજ હું,
પ્રેમરસમાં તરબતર વાતો લખું.

એક જીગર, એક જાન બની રહ્યાં,
આપણા એવા તલ્લુકાતો લખું.

રચનાઃ રાજીવ ગોહેલ
છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રિય મિત્રો,

૧૬મી માર્ચે આપણા સૌના પ્રિય એવા ડો. વિવેક ટેલરનો જન્મદિવસ હતો. મને ખ્યાલ ન હોવાથી હું તેમને તે દિવસે શુભેચ્છાઓ આપવાનુ ચુકી ગયો છું જેનુ મને ભારો ભાર દુઃખ છે. પણ દેર આયે દુરુસ્ત આયે ની જેમ હું આજે તેમને મોડેથી તો મોડેથી પણ તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ મારી લખેલી આજની રચનાથી પાઠવી રહ્યો છું…

આપનો મિત્ર

રાજીવ