Archive for the ‘છંદ-બધ્ધ રચના’ Category

દાઝી ગયો…

માર્ચ 7, 2010

મોટા થવાનો અભિનય કરી થાકી ગયો
સૂરજ થવાના સ્વપ્ન થકી દાઝી ગયો

ચંદ્ર તને દીઠો શોભતો આકાશમાં
મેઘે લપાઈ ભય ઉપજથી દાઝી ગયો

ખૂબી થકી વિસ્તરતો ગયો આવેશમાં
ખંધીજ એકલતામાં ડૂબી ત્રાસી ગયો

સપનાં સજી સોનેરી દિલે ફાવી ગયો
આ બાળપણની મૂડી ગયે દાઝી ગયો

સાથે સમયની પળપળ રહી હાંફી ગયો
ક્યાં દોષ દેવો ૠતુ ,તુજ સંગે પાકી ગયો

આકાશમાં ઘૂમે વાદળો તરસે રણો
ને ‘દીપ અંતરે તડપન થકી દાઝી ગયો

– રમેશ પટેલ(આકાશદીપ)

છંદ વિધાન: ગાગા લગાગા લલલલલગા ગાગાલગા

Advertisements

મર્મ સમજાતો નથી

મે 6, 2009

(ફુલોના ઉગવાનો મર્મ - પોર્ટ કેમ્પબેલ - ઓસ્ટ્રેલીયા - ૨૦૦૯)

(ફુલોના ઉગવાનો મર્મ - પોર્ટ કેમ્પબેલ - ઓસ્ટ્રેલીયા - ૨૦૦૯)

નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી,
ને સફળતાનો કોઇ અમને, માર્ગ દેખાતો નથી.

શમણાં બધા સુખો તણાં, આવ્યા અને ચાલ્યા ગયા,
આંખો તણી આ પ્યાસનો, પ્રવાસ રોકાતો નથી.

કુંપળ ઉગે છે એક જ્યાં, સુકા પત્તા તુટી પડે,
જીવન અને મૃત્યુ તણો, આ મર્મ સમજાતો નથી

બેબશ પ્રભુ, અમને બધાને કેમ રે છોડી દીધા,
જાણે અમારી સાથ તારો, કોઈ પણ નાતો નથી.

જીવન તણાં આ ભારને માથે મુકી ભમતો રહ્યો,
ને આજે મારા શ્વાસનો, આ ભાર ઉચકાતો નથી.

મીઠી તમારી વાતમાં ‘રાજીવ’ ખોવાયો હતો,
જુઓ હવે તે કોઈની વાતોથી ભરમાતો નથી.

છંદવિધાનઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

રચનાઃ રાજીવ ગોહેલ

…લખું

માર્ચ 18, 2009

લાવને હું પ્રેમની વાતો લખું,
જાગતા કાઢી’તી તે રાતો લખું.

તારી આંખોમાં ખુદને શોધવા,
મે કરી’તી તે તહ્કીકાતો લખું.

તું કહે તો ચાંદ પણ લાવી દઉ,
નામ તારા, સૌ ઝવેરાતો લખું.

ઉંધમાં મળતા રહીયે હું ને તું,
ને ઉઠી આપ્ણી મુલાકાતો લખું.

હૃદયના પાને હળ્વેથી રોજ હું,
પ્રેમરસમાં તરબતર વાતો લખું.

એક જીગર, એક જાન બની રહ્યાં,
આપણા એવા તલ્લુકાતો લખું.

રચનાઃ રાજીવ ગોહેલ
છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રિય મિત્રો,

૧૬મી માર્ચે આપણા સૌના પ્રિય એવા ડો. વિવેક ટેલરનો જન્મદિવસ હતો. મને ખ્યાલ ન હોવાથી હું તેમને તે દિવસે શુભેચ્છાઓ આપવાનુ ચુકી ગયો છું જેનુ મને ભારો ભાર દુઃખ છે. પણ દેર આયે દુરુસ્ત આયે ની જેમ હું આજે તેમને મોડેથી તો મોડેથી પણ તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ મારી લખેલી આજની રચનાથી પાઠવી રહ્યો છું…

આપનો મિત્ર

રાજીવ

તું મારા દિલને…

ફેબ્રુવારી 25, 2009

મિત્રો,

મારુ એક પ્રિય ગીત “For me… For me… Formidable” કે જે ફ્રેન્ચ ભાષામાં અને અંગ્રજી ભાષામાં લખાયેલુ છે અને ખુબ જ પ્રખ્યાત ફ્રેન્ચ ગાયક ચાર્લ્સ એઝનાવરે તેને ગાયેલુ છે…. તે ગીત પરથી તેના જેવુ ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે…! છંદ સાચવવાનો પણ મરણીયો પ્રયાસ કર્યો છે…! કાફિયા વિશે થોડી છુટ લઈ લીધી છે…!

મુળ ગીત પણ આપ સૌ માટે અહી મુકી રહ્યો છું… તેના શબ્દો મે વિડિયોમાંજ મુકી દીધા છે… મોટા ભાગનુ ફ્રેન્ચ હોવાથી બહુ ખબર ન પડે તો ચિંતા ન કરશો પણ ગીત સાંભળવાની તો મજાજ આવશે તે મારી ગેરેન્ટી…!

તો સાંભળો તે ગીત અને પછી વાંચો તેના પરથી પ્રેરાયેલી મારી રચના…!

તું મારા માટે, મારા માટે, મારા માટે બનેલી
તું મારા દિલને, મારા દિલને, મારા દિલને ગમેલી

તારી આંખો, તારી વાતો, જાણે રુબીકની પહેલી
તું છે કવિતા, તું છે શાયરી, મિર્ઝા ગાલિબે કહેલી

તું મારા દિલને …

વાચુ જો હું, તે વારે વારે વાચ્યા જ કરું છું
જાણે કે કોઈ પ્રેમની વાર્તા શેક્સપીયરે લખેલી

તું મારા દિલને …

ખુબ જ ચાહું, ખુબ જ ચાહું, પામી લેવા હું ચાહું
કે તું તો છે ને મારા માટે, મારા માટે બનેલી

તું મારા દિલને …

છંદ વિધાનઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

રચનાઃ રાજીવ ગોહેલ

સાંજના ઢળવા છતાંયે…

જાન્યુઆરી 1, 2009

પ્રિય મિત્રો,

આપ સૌને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના નવા વરસ (૨૦૦૯)ના પ્રથમ દિવસે, આપ સૌનુ નવુ વરસ ખુબ જ સફળ, લાભદાયી અને સુખદ નિવડે તેવી અભ્યર્થના સાથે શુભેચ્છાઓ…!

આજના દિવસે મારી પોતાની લખેલી સછંદ રચના આ સાથે આપી રહ્યો છું…! એક નવા પ્રયોગ તરીકે મે સાથે સ્વર પણ મુક્યો છે… તે સ્વર મારો જ છે… મિત્રો હું કોઈ ગાયક નથી અને મારો અવાજ બહુ ખરાબ છે તે જાણવા છતા પણ રચનાની પ્રથમ ત્રણ શેરને રાગમાં બોલવાની-ગાવાની કોશીશ કરી છે… આશા રાખુ આપને ગમશે… આપના અભિપ્રાય મારા માટે સદા આવકાર્ય રહ્યા છે તો આપના મુલ્યવાન અભિપ્રાય આપવાનુ ભુલશો નહી…!

આભાર સહ

રાજીવ

********************************************************************************

સાંજના ઢળવા છતાંયે, યાદ આ ઢળતી નથી
હું તને મળતો રહું છું, તું મને મળતી નથી

દુઃખ તારા વિરહનુ મેં, ના બતાવ્યુ કોઈને
દિલ સદા રડતુ રહે છે, આંખ આ રડતી નથી

આપ આવ્યા કે ફરીથી, આપની યાદોજ છે
શું થયુ જો ને અચાનક, કોઈ ક્ષણ સરતી નથી

આપણા સાથની ક્ષણોને, આજ સળગાવી દીધી
તોય યાદોમાં રહેલી, તું કદી ગળતી નથી

જે લખ્યા’તાં કાવ્ય ‘રાજીવ’, યાદ તેને તે કરી
તે બધા નિર્જીવ શબ્દોમાં હવે શ્વસતી નથી

રચનાઃ રાજીવ ગોહેલ

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કેટલા હસમુખ હતા

ડિસેમ્બર 18, 2008

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

– આદિલ મન્સુરી

સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ આવાઝ

શબ્દો આભારસહ ગુજરાતી ગઝલ પરથી લેવામાં આવ્યા છે…!

ઝાંઝવા જુઠાં મળે

નવેમ્બર 27, 2008

 

autumn_forest

 

મૃગને રણમાં ઝાંઝવા જૂઠાં મળે
ને અપેક્ષાના વનો ઠૂંઠા મળે

ના મળે જો ને જરાયે ના મળે
ને મળે તો સેકડોં ગુંઠા મળે

ધાર આપો જ્યાં જરા એ ખ્યાલને
ને શબ્દો તમને બધા બૂઠાં મળે

ના ભીતરના દર્દને ખાળી શક્યા
કે દિલાશાના જતન જૂઠાં મળે

મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
ને બને એવુ બધાં ઠૂંઠા મળે

– રાજીવ ગોહેલ

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા