Archive for the ‘ગરબા/રાસ’ Category

વીજળી ઝબુકે ને…

એપ્રિલ 20, 2009

વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર
વાગે છે વાંસળીને વાગે છે મોરલી, મધુવન ગહેકે છે મોર

ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે છે રાધાના ચીર
ભરપુર યમુનાજી હલકે ને છલકે લોઢણીયે લહેરાતા નીર

વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર…

જમુનાજી ઘાટે પનઘટ ગાજે, કાન્હાને નીરખે નૈન
મંદ મંદ હસીને ગોપીઓ ખેલે, મીઠલડાં લાગે છે વેણ

વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર…
વાગે છે વાંસળીને વાગે છે મોરલી, મધુવન ગહેકે છે મોર…

– ગીતઃ અજ્ઞાત,

ગાયકઃ અચલ મેહતા, રીષભ ગરબા વૃંદ

Advertisements

સોના વાટકડી…

ડિસેમ્બર 1, 2008

સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યા વાલમીયા

પગ પર માણે રે કડલા સોહે વાલમીયા
કડલાની બબ્બે જોડ, રંગમાં રોળ્યા વાલમીયા

હાથ પર માણે રે ચૂડલા સોહે વાલમીયા
ચૂડલાની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

ડોક પર માણે રે કંઠી સોહે વાલમીયા
કંઠીની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

નાક પર માણે રે નથણી સોહે વાલમીયા
નથણીની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

કાન પર માણે રે એરિંગ સોહે વાલમીયા
એરિંગની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

આભારઃ રીડગુજરાતી.કોમ

નવલે નોરતે…

ઓક્ટોબર 9, 2008ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

– રમેશ પટેલ(આકાશદીપ)

નેવેથી વરસ્યો

મે 24, 2007

નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી

ઇર્ષાની તોળાતી આંખો કાયા પર જાણે એવી છે મંડાણી
લથબથતી લથબથતી રંગીલી સંધ્યા મારા પાલવડે પથરાણી
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી

દરિયાઓ દરિયાઓ ખાલી થઈ ગયાને આંખોમાં આળોટ્યા કેવા
શમણાંના એકાંતે બેસીને આજે આંખો મારી છે રીસાણી
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી

– અજ્ઞાત

મૌસમ વિહોણા

મે 2, 2007

મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં
મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં

થોક થોક પત્રોના બાંધેલા ભારાને છોડ્યા તો નિકળ્યા સંભારણા
સુકાભઠ્ઠ ખેતરમાં ચાડિયાની સાક્ષીએ લીધેલા કેવા ઓવારણા
ઝાંકળીયા સમણાં તો આવે ને જાયે ભલા, તેડે પણ કોણ હવે કાંખમાં
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં

વાંઘ વાંઘ ઊછળતા પ્રિત્યુના મોજાને પકડ્યાતો ફીણ વળ્યા ખારા
ઇર્ષાના તિર વડે સોસરવા વિંધાયા, રુઝાસે કેમ કરી ઘારા
શ્વાસોમાં શ્વાસ ભરી સારસની જેમ અમે ઉડેલા ઇચ્છા લઈ પાંખમાં
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં
મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં

– અજ્ઞાત