Archive for the ‘અન્ય કવિઓની રચના’ Category

અઢી અક્ષરમાં…

એપ્રિલ 10, 2010

અઢી અક્ષરમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે

હું ને તું માં દુનિયા સમાણી
લખશું પ્રેમની મધુર કહાણી
કોઈને દે સંદેશા વાદળ
કોઈ દોડે ફૂલોની પાછળ
ગમે મને હોળીના વાવડ

રંગ ભરી પીચકારી મોરી
છોડી શરમ ને રંગી ચોળી
શુભારંભી મેં પ્રેમ કહાણી
હું ને તું માં દુનિયા સમાણી

લખ્યો કાગળ નજરથી પહેલો
દીધો હોઠે હસતો જવાબ વહેલો
ને છલક્યો પ્રેમનો હૈયે ઠેલો
જઈ ગુલાબી ગાલમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે

પ્રેમતણી છે દુનિયા દીવાની
જીવનની મસ્તી ગુલાલે માણી
સ્નેહ સ્પંદનમાં ઝૂલતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે

વાંસળીના સૂરમાં પૂરાયા અમે
અઢી અક્ષરમાં રમાડ્યા તમે

– રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

દાઝી ગયો…

માર્ચ 7, 2010

મોટા થવાનો અભિનય કરી થાકી ગયો
સૂરજ થવાના સ્વપ્ન થકી દાઝી ગયો

ચંદ્ર તને દીઠો શોભતો આકાશમાં
મેઘે લપાઈ ભય ઉપજથી દાઝી ગયો

ખૂબી થકી વિસ્તરતો ગયો આવેશમાં
ખંધીજ એકલતામાં ડૂબી ત્રાસી ગયો

સપનાં સજી સોનેરી દિલે ફાવી ગયો
આ બાળપણની મૂડી ગયે દાઝી ગયો

સાથે સમયની પળપળ રહી હાંફી ગયો
ક્યાં દોષ દેવો ૠતુ ,તુજ સંગે પાકી ગયો

આકાશમાં ઘૂમે વાદળો તરસે રણો
ને ‘દીપ અંતરે તડપન થકી દાઝી ગયો

– રમેશ પટેલ(આકાશદીપ)

છંદ વિધાન: ગાગા લગાગા લલલલલગા ગાગાલગા

ગીતા સુધા

નવેમ્બર 11, 2009

ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર શ્રીવેદવ્યાસજીએ.
ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે, માટે ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં ઝીલતાં, ગીતા જયન્તીએ, મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત કરતાં અહોભાવથી વંદન.

geeta saar

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ

આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ

– રમેશ પટેલ(આકાશદીપ)

વિશ્વ તારું જટીલ

ઓક્ટોબર 28, 2009

sunset

કુદરતની સમીપે જઈ, તેની વિવિધતા, ગૂઢતા અને અસ્ત્-ઉદયનું ચક્ર વિસ્મય પમાડે છે.
આ ચીંતનને ગઝલમાં વણ્યું છે

છંદ વિધાન: ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા

વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું
અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે

ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ
મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે

તપ્યો જલધિ તું વિસરવા જગનો ખાર દરિયા દિલે
સંવરે સૃષ્ટિ ઐશ્વર્યથી ને વૈભવ ગુંજારવ કરે

ખર્યા પાન શૂષ્ક થઈ ત્યાંતો સજતી આ કૂંપળો
ખીલ્યાં પૂષ્પ ને બીજ પોષે વિશ્વને ગૌરવ ઋણ્રે

હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો
થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે
ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે

-રમેશ પટેલ (આકાશદીપ)

દિવાળી

ઓક્ટોબર 17, 2009

diwali

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી

– રમેશ પટેલ(આકાશદીપ)

સ્નેહ સંદેશ – રમેશ પટેલ ‘આકાશદીપ’

ઓક્ટોબર 14, 2009

nature_aurora

સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું

આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું

ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે

દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે

વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો

– રમેશ પટેલ ‘આકાશદીપ’

નવલાં નોરતાં

સપ્ટેમ્બર 28, 2009

દશેરા નિમિતે હાર્દિક અભિવાદન

દશેરા નિમિતે હાર્દિક અભિવાદન

નવલાં   નોરતાં  ને નવલી  છે રાત
ગરબે  ઘૂમે   આજ   ભવાની   માત
દઈ દઈ તાળી આજ  ગાઓને  રાજ
નવ નવ દેવીઓનાં  દર્શનની  રાત

આવ્યાં આવ્યાં માનાં  નોરતાં રે લોલ
નવલે   નોરતે  ધબૂકિયાં   રે    ઢોલ
ઘૂમો  ગરબે  ને દો  તાળી  રે   લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો  સૂણો   ઝાંઝરના   ઝણકાર
હોમ  હવન  ને   ભક્તિના   નાદ
માના  દર્શને  થયા  સુખિયા રે  લોલ…આવ્યાં આવ્યાં..

રમે   રમે  લાલ   કુકડાની    જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ
ઊડે   ઊડે   ગુલાલો  ની    છોળ
ગબ્બરે હીંચે  માડી  અંબિકા  રે  લોલ
ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે  લોલ …આવ્યાં  આવ્યાં…

ચૂંદડીમાં  ચમક્યા  આભલા  રે   લોલ
મંગલ   વરતે  માને  દીવડે  રે  લોલ
આવ્યાં આવ્યાં માનાં નોરતાં  રે  લોલ
નવલાં   નોરતે    ધબૂકિયાં  રે    ઢોલ…ધબૂકિયાં  રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)