ગીતા સુધા

ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર શ્રીવેદવ્યાસજીએ.
ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે, માટે ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં ઝીલતાં, ગીતા જયન્તીએ, મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત કરતાં અહોભાવથી વંદન.

geeta saar

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ

આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ

– રમેશ પટેલ(આકાશદીપ)

7 Responses to “ગીતા સુધા”

  1. Chirag Patel Says:

    સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
    અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
    જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
    શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

    aabhaar,very nicely said with poetry.you really deserve congratulation.

    chirag Patel

  2. Hetal Patel Says:

    યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
    હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
    લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
    સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

    કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
    જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
    અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
    કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
    જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

    khuba gamyu

    ગુજરાતી ભાષા માટે આપનું આ યોગદાન ચીરંજીવ રહેશે.
    સમાજ ઉપયોગી આવી શ્રેષ્ઠ કૃતિઓ માટે આપના કવિ હૃદયને
    અભિનંદન.
    સમ્પૂર્ણ અને સોહામણું ગીતાજી નું દર્શન.
    શબ્દ સાગરને કિનારે સુધા અમૃત મળ્યો.ધન્યવાદ.

    હેતલ અને હાર્દિક(મેલબોર્ન)

  3. Vital Patel Says:

    થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
    નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

    dharm ,science and reality of life is Geeta.
    very happy to read in gujaratI..by Aakashdeep

    Vital Patel..

  4. Bina Says:

    સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
    તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
    પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

    Nicely said……Thanks to Akashdeep!

  5. Ramesh Patel Says:

    Thanks Shri Panchambhai…for your e mail

    સરસ સુદીર્ઘ કાવ્ય. ગીતાનું અમૃત.

    — On Thu, 11/12/09, Ramesh patel <rjpsmv@yahoo.com

  6. Sweta Patel Says:

    અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
    કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
    હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
    ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

    abhinandan.

    Sweta

  7. કલ્પેશ સોની Says:

    1 દેવકીનંદન વસુદેવ-લાલ, મથુરા જન્મ્યો કારાગાર.

    2 કર ભરવાને આવે નંદ, પરત લઇ ગયા બાલમુકુન્દ.

    3 જાણી કંસ અતિ ક્રોધીત થાય, કૃષ્ણને હણવા ગોકુળ મ્હાંય,

    4 અરિ મોકલે અનેક અસૂર, પ્રભુ કરે એને ચકનાચૂર.

    5 ગોવાળો સંગ ખેલ્યા રાસ, મધુરાભક્તિ કે’રી પ્યાસ.

    6 ગોવર્ધન પૂજાતો થાય, ઈન્દ્રપૂજા ત્યજાઈ જાય.

    7 ગેડી-દડાની રમત રમે, રમતમાં દિવ્યતા સમે.

    8 મટકી ફોડે મહી ચોરે, ગોપબાળોને પુષ્ટ કરે.

    9 માર્યો કંસ મથુરા જઇને, ગાદી સોંપી લાયકને.

    10 બાળ કનૈયો તપોવન જાય, સાંદિપનિને ધન્યતા થાય.

    11 ગુરુબંધુનો માણે પ્રેમ, મિત્ર સુદામા ભુલાય કેમ.

    12 જરાસંઘ અતિ ક્રોધીત થાય, અનેક હુમલા કરતો જાય.

    13 મથુરાવાસી ત્રસ્ત જણાય, માધવ રણછોડરાય ગણાય.

    14 ઋષિની ગુફામાં સંતાય, કાળયવન તો માર્યો જાય.

    15 દ્વારકાનગરી વસાવી જાય, દ્વારકાધીશની જય જય થાય.

    16 ઋક્મિણીનું કર્યુ હરણ, લંપટોનું કર્યુ દમન.

    17 નરકાસુરના હર્યા પ્રાણ, સ્ત્રીગૌરવમાં પૂર્યા પ્રાણ.

    18 પાંડવ-કૃષ્ણ મિલન થાય, ધર્મકાર્યમાં નિમિત્ત જણાય.

    19 દ્રૌપદી પાંડવ-પત્ની થાય, પ્રભુ-સલાહે એકતા થાય.

    20 ધૂર્તે આપ્યું ખાંડવવન, હરિએ બનાવ્યું સ્વર્ગભુવન.

    21 સુભદ્રાનું કરાવે હરણ, પાર્થ કામના થાય વેરણ.

    22 જરાસંઘનો કર્યો નાશ, ભ્રાંત ધર્મનો કર્યો વિનાશ.

    23 રાજસૂયની આજ્ઞા કરી, પાંડવ-કીર્તિ જગમાં કરી.

    24 દુર્યોધન ધન-પ્રમુખ થાય, વૈભવ નિરખી સળગી જાય.

    25 ધર્મરાજ જુગાર રમે, પ્રભુને વિસરી કાર્ય કરે.

    26 ધૂર્ત શકુની ચાલે ચાલ, પાંડવ બન્યા અતિ કંગાલ.

    27 દ્રૌપદીની બેઆબરૂ થાય, મહાજનો સહુ મૌન જણાય.

    28 રાજ્ય પરત મેળવવાય, પાંડવો વનવાસે જાય.

    29 યાચક થઇ નવ રાજ્ય મળે, યુદ્ધ કદાપિ નહિ ટળે.

    30 યુદ્ધવિજય નિર્ધાર કરો, અદ્રષ્ટ કૃપા પ્રાપ્ત કરો.

    31 કૃષ્ણ-સૂચનથી અર્જુન જાય, સાધનાથી શિવ પ્રસન્ન થાય.

    32 શિવજીએ કસોટી કરી, પાશુપતાસ્ત્રની ભેટ ધરી.

    33 સંજયવિષ્ટિ સુણતા રાય, માધવ દૂત બનીને જાય.

    34 કુરુસભામાં ગર્જનતા જાય, રાજવીઓ શરમાઇ જાય.

    35 હરિ કર્ણને રથમાં લે, વચને એને બાંધી લે.

    36 અરિ પક્ષે સ્વજનો નિરખાય, અર્જુન-નિશ્ચય બદલી જાય.

    37 યોગેશ્વરનું ગીતા ગવન, પાર્થમોહનું થાય દફન.

    38 ભીષ્મે પૂજ્યભાવ જણાય, ભારત યુદ્ધે અટકી જાય.

    39 પ્રભુ પ્રતિજ્ઞા ત્યાગ કરે, ભીષ્મ સાથે યુદ્ધ કરે.

    40 અભિમન્યુ બલિ દેવા ચહે, હરિ-નયનમાં અશ્રુ વહે.

    41 ધર્મરાજને બદલાવે, અર્ધસત્ય ઉચ્ચારાવે.

    42 અશ્વત્થામા હતઃ વદે, દ્રોણ શસ્ત્રને ત્યજી દે.

    43 અધર્મથી કર્ણ હણાય, કેશવ મર્મ નવ પમાય.

    44 અશ્વાત્થામા વાર કરે, પાંડુ-વંશનો નાશ કરે.

    45 વાસુદેવ જલ કરમાં લે, મૃત ગર્ભને જીવન દે.

    46 પુરુષોત્તમ લીલા સરજે, મન બુદ્ધિ તે નવ સમજે.

    47 ભીમ દુર્યોધન યુદ્ધ કરે, ન જીતે કોઇ નવ હારે.

    48 મધુસૂદન સંકેત કરે, ભીમ જાંઘ પર વાર કરે.

    49 કુરુકુળનો વિનાશ થયો, ધર્મનો જયજયકાર થયો.

    50 ભીષ્મે શય્યા સ્થાન ગ્રહ્યું, વિષ્ણુસહસ્રનું ગાન કર્યું.

    51 પરીક્ષિતનો જન્મ થયો, પાંડવ-વેલો ટકી રહ્યો.

    52 કૃષ્ણ અવતારી જણાય, ધર્મ-ધજા ફરકાવી જાય.

Leave a comment