Archive for જૂન, 2009

ચોરસની જગ્યા એ…

જૂન 29, 2009

ચોરસની જગ્યા એ ત્રિકોણને એવુ બધુ,
જોઈએ તો જીંદગી, ધુમ્મસને એવુ બધુ.

ઉછળતા હોય મોજાઓ, દુત થઈ તોફાનના,
ઘુંઘવાટ હોય, મનમાં ને એવુ બધું.

કંઈક ઉડતુ હોય ને, પછી બેસતુ હોય,
આંખુ જે હોય, પાંખો ને એવુ બધુ.

ઝાંઝવા જ વાસ્તવીકતા હોય ક્યારેક,
આભાસ હોય, આવાસ ને એવુ બધુ.

સ્વરઃ ગરીમા ત્રિવેદી
આલ્બમઃ તરબતર લાગણીઓ

Advertisements

ઓસ્ટ્રેલીયા, રેસીઝમ અને સત્ય

જૂન 27, 2009

1799513850_65e6c67264

મિત્રો,

આપ સૌ તો જાણો જ છો, કે હું મારી પત્ની સાથે ત્રણ વરસથી અહી મેલબોર્ન ખાતે આવીને વસ્યો છું. હમણાં હમણાં ભારતીયો પર થયેલા હુમલા અને ભારતીય મીડીયા એ જેને પહાડ બનાવીને સામાન્ય માણસો સામે મુક્યો તે રાયનો દાણો હું તમને મારી નઝરથી બતાવવા માંગુ છું. અહી ત્રણ વરસમાં મને થયેલા અનુભવો અને મે જોયેલા અને જાણેલા ઓસ્ટ્રેલીયન માનવીઓ અને હાલમાં થયેલા બધા હુમલાઓને હું એક સાથે અહીં આપ સૌને બતાવવા માંગુ છું. આશા રાખુ કે તમે બધા પણ પોતાની અંદરની ઉભરાતી ભારતીયતાને થોડી વાર માટે બેસાડી આ વાંચશો અને વિચારશો.

મારો પ્રથમ પ્રશ્ન – રેસીઝમ કોનામાં નથી ????

મિત્રો… વિચાર કરો… તમારા શહેરમાં બીજા પ્રદેશના માણસો આવે, તમારી ભાષાને અને તમારા કલ્ચરને સમજ્યા વગર તે મન ફાવે તેવુ વર્તન કરે… તમારી નોકરીઓમાં ભાગ પડાવે… અને બીજુ ઘણું કરે… તો શું તમને તે ગમશે?

માણસ માત્ર, બેઝીકલી, રેસીસ્ટ છે… તે કાળો હો કે ગોરો… પ્રમાણ થોડુ ઓછું વધારે હોય શકે…! આપણા દેશમાંજ એક પ્રદેશના લોકો બીજાને મારવામાં કે હલ્કા બતાવવામાં પાછળ ફરીને જોતા નથી [જ્યારે છે તો તે બધા ભારતીયો જ ને ???] તો વિચારો બીજા દેશ અને સંસ્કૃતિના માણસ માટે માનવી કઈ હદે જઈ શકે???

આપમાંથી ઘણા મારી સાથે સહેમત નહી હોય અને કદાચ એનુ એક કારણ એ છે કે તેઓ તેવી પરિસ્થીતિમાંથી પસાર નહી થયા હોય. એક સુંદર ઉદાહરણ અનામતનો પ્રશ્ન છે… જુઓ, સમજો અને વિચારો…!

શું ખરેખર ઓસ્ટ્રેલીયાના લોકો રેસિસ્ટ છે???

આનો સીધો, સાદો, સરળ અને સાચો જવાબ છે – “ના”

આ સમજાવવા માટે થોડા પ્રશ્ન અને ઉદાહરણ આપુ છું… શું આપણે બધા હિન્દુઓ બધા જ મુસલમાન લોકોને નફરતની નજરે જોઈએ છીએ…? શું દરેક મુસલમાન ભાઈ બહેન આપણને નફરતની નજરથીજ જોતા હશે…? શું ઓસ્ટ્રેલીયામાં ફરતો દરેક માણસ મુળભુત રીતે ઓસ્ટ્રેલીયન જ છે…? શું દરેક ગામ હોય છે ત્યાં ઉકરડો નથી હોતો…?

ઉપરના સવાલો તમને કઈક વધુ વિચારવા મજબુર કરે તો મને ગમશે…! બધાજ જાતી ધર્મ અને વિવિધ માન્યતા વાળા લોકોના ટોળામાં અમુક માણસો એવા હોય છે કે જેને અથવા તો જેના વર્તનને સામાન્ય માણસ ક્યારેય સમજી કે વધાવી શકતો નથી.

ઓસ્ટ્રેલીયામાં લગભગ દુનિયાના દરેક ખુણામાંથી આવીને લોકો વસ્યા છે અને બધા સારી રીતે એકમેકની સાથે હળીમળીને રહે છે… કોઈ કોઇના જીવનમાં ડખલ કરતુ નથી… પણ સમય અને સંજોગ ક્યારેક વિપરીત હોય છે… દિવસના અજવાળામાં એકદમ સજ્જન લાગતો માણસ કે જેણે રંગ અને જાતીના ભેદભાવને પોતાની અંદર દફનાવી દીધા હોય તે માણસ રાતના અંધારામાં અને દારુ કે બીયરના નશામાં તેની અંદરના રાક્ષસ પરનો કાબુ ગુમાવી દેતો હોય છે… આપણી ભલાઈ એ જ છે કે આપણે એવા સમયે તેને એકલો રહેવા દઈએ…! અને એક બીજી વાત કે બધા એવા નથી… ઘણા એ એ રાક્ષસને એટલો અંદર દફનાવ્યો હોય છે કે તે બહાર ક્યારેય કોઈ પણ સંજોગમાં આવી જ નથી શક્તો.

જે લોકો હજી અણસમજુ છે અને કોઇ કામધંધા વગરના છે તેઓ પાસે આવુ કઈ કરવાનો અને લોકોને હેરાન કરવાનો કે તેમને ઇજા પહોચાડવાનો સમય નીકળે છે…!

ભારતીય મીડીયાનો રોલ…

ભારતીય મીડીયા અને પોલીટીક્સ… વાહ રે વાહ… મને તો એક વાતનીજ ખબર નથી પડતી કે ત્યાં બેઠા બેઠા ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કરના તંત્રીઓને અહી શું બની રહ્યુ છે અને લોકો કેટલા ભય ને બિકમાં જીવી રહ્યા છે તેની જાણ કઈ રીતે થઈ જાય છે ??? અને એકદમ મસાલેદાર ખબર બનાવીને પહેલા પાના પર છાપી નાખશે… એમનુ પેપર તો વેચાયુ.. સત્ય ગયુ ભાડમાં…! અને આપણા રાજકારણીઓને લોકોના પુતળા બાળવાનો સમય તો ગમે ત્યારે મળી જ રહે છે…! 😉 આવા બધા ખોટા મસાલેદાર અને ચડાવીને કહેવાયેલ સત્યને હું સત્ય ગણતો નથી…!

હું હજી ભારતીય જ છું !!!

મિત્રો, એક વાત સ્પષ્ટ કરી દઊ કે હું ભલે ઓટ્રેલીયાનો પરમેનન્ટ રેસીડેન્ટ છું અને થોડા વખતમાં નાગરીક પણ બની જઈશ પણ હજી હું ભારતીય જ છું અને હમેંશા રહીશ… જે થયુ તેનુ મને ભારો ભાર દુઃખ છે… પણ હું છતાં ઓસ્ટ્રેલીયાના બધા લોકોને રેસીસ્ટ માનવા તૈયાર નથી… કોઈ એકાદ-બે માણસોના પાપને આપણે આખા સમાજ પર ના ચઢાવી શકીયે… અને ના ચઢાવવુ જોઈએ…!

હું પણ અહી સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો અને મારો અભ્યાસ પુર્ણ થવા સુધી કે ત્યાર પછી પણ મને કોઈ ખુબ જ ખરાબ રેસીઝમનો અનુભવ થયો નથી…

અને રહી વાત સલામતીની… તો શું ભારતીયો માટે ગુજરાત સલામત છે? મુંબઈ સલામત છે? ભારત સલામત છે? મે હિન્દુ મુસ્લીમનો રોષ અને તેમને બધાને વેરભાવની આગમાં સળગતા અને સામે વાળાને સળગાવતા મારી નજરે જોયા છે… ચાર મહિના સુધી કરફ્યુ અને આર્મીના બંદોબસ્તમાં અમે ગાળેલા છે… વાધોડીયા રોડના રહેવાસી તરીકે અમે મુસ્લીમોના અને હિન્દુઓના ઘરોને અને સ્ત્રી અને પુરુષોને સળગતા અને સળગાવતા જોયા છે…! અને આવુ તો કેટલુય છે જે યાદ આવતા હજી એ રુવાંટા ઉભા થઈ જાય છે…!

લાંબા રુટની ટ્રેનોમાં એક રાજ્યના લોકો બીજા રાજ્યાના માણસોને કોઇ કારણ વગર માર મારતા અમે જોયા છે, કે તે સાલાઓ અમારા ડબ્બામાં આવી કઈ રીતે શકે…???

એમ. એસ. યુનીની કોલેજોમાં અને હોસ્ટેલોમાં ગુંડાગર્દી અને ભયનુ ગંદુ રાજકારણ મે જોયેલુ છે. દારુ પીયને એકબીજા સાથે લડતા અને ઝઘડતા સ્ટુડ્ન્સને ખુબ નજીકથી જોયા છે…

આપણે જયારે કોઈને રેસીસ્ટ કહીયે ત્યારે આપણે આ બધુ કેમ ભુલી જઈએ છીએ…?

તમારો પુત્ર કે પુત્રી જ્યારે કોઈ બીજા કે તમારા શહેરમાંજ ભણવા જાય છે ત્યારે તેમને કોઈ હેરાન કરે કે મારે તેની શક્યતા તે જો વિદેશમાં જઈને ભણે અને ત્યાં તેને કોઈ હેરાન કરે કે મારે તેના કરતા વધારે છે.

બોટમ લાઈન

સામાન્ય માણસે બધેજ સાવચેતી અને સલામતીથી અને આવા અસામાજીક તત્વોથી બચીને રહેવાનુ હોય છે…! પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી ઓસ્ટ્રેલીયા…!

આપનો મિત્ર

રાજીવ

વનેચંદનો વરઘોડો – ભાગ ૨

જૂન 26, 2009

હું

જૂન 24, 2009

flower-expert-stunning-beauty

હું મારાથી તારા સુધી નિરંતર છું,
પર ના થઈ થકે તું પરસ્પર છું.

થીજી ગઈ છે લાગણીઓ નક્કર છું,
છતાં આંસુઓથી તર-બતર છું.

શ્વાસોમાં મઢી રાખી છે છબી તારી,
રગે રગની ખબર-અંતર છું.

મંદિર ને મદિરા-પ્યાલી ને પૂજા,
સંજોગોથી પીડાતો અવસર છું.

એટલે તો જીવ વલોવાયા કરે છે,
હું મારિ જાત્ની અંદરો અંદર છું.

વર્ષો બાદ હવે કંઈના સવાલ કર,
તું યે ઠીક છે, હું પણ બરાબર છું.

ફકત ખુદથી ખુદા સુધીની રાહમાં,
એક લખ ચોરાસઈનું ચક્કર છું

રચનાઃ ફકત તરુણ
કાવ્ય સંગ્રહઃ સંગે મરમર

યાદ તમારી આવે…

જૂન 22, 2009

કાજળ કાળી રાતલડીમાં, શમણાં છુપ્યા છે ઝુકી પલકમાં,
એક તારો ટમકી જાયે, હાયે ત્યારે, યાદ તમારી આવે…

આવે વસંતો, ફુલો મહેકતાં, કોયલડીના કંઠ કુહુકતા,
મનડું મોરે નચાવે, હાયે ત્યારે, યાદ તમારી આવે…

સાવન ભાદો, વીજ ચમકતી, નભની ઘટા ઘનઘોર છલકતી,
શરાબી મસ્તી છવાયે, હાયે ત્યારે, યાદ તમારી આવે…

ભીનીભીની છોંક હવાની, મૌસમ ઠંડી અગન જલાવી,
એક તણખો દિલને દઝાડૅ ત્યારે, યાદ તમારી આવે…

શોધુ તને હું વનવન ભટકી, રેતી બની ક્ષણ આંખોમાં ખટતી
કંટક કલેજુ કતરાવે, હાયે ત્યારે, યાદ તમારી આવે…

જોગી બની ને ભસમ લગાવી, ગંગાના તીરે મઢુલી સજાવી,
કોઈ નૈનન નીર બહાવે, હાયે ત્યારે, યાદ તમારી આવે…

આલ્બમઃ સંવેદન
સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને શમસાદ બેગમ

વનેચંદનો વરઘોડો – ભાગ ૧

જૂન 19, 2009

ચહેરો

જૂન 17, 2009

CB055216

ભીની ભીની ભીનાશ ચહેરો તારો,
તર-બતર કુમાશ ચહેરો તારો.

ના કળી ના પોયણી ના ફુલ ના પુષ્પ,
ગંધ સુગંધ સુવાસ ચહેરો તારો.

થોડો સોનેરી ને જરા રૂપેરી રૂપેરી,
સૌમ્ય સૌમ્ય ઉજાસ ચહેરો તારો.

રગે રગ વહે રંગોના ઝરણાં,
મેઘ-ધનુષી આવાસ ચહેરો તારો.

દૃષ્ટિ મારી નંદનવન થઈ જાયે,
કાશી છે કે કૈલાશ ચહેરો તારો.

પૂરબ પશ્વિમ, ઉત્તર દક્ષિણ,
ધરતી આકાશ ચહેરો તારો.

પંક્તિ ગીતની થોદા શેર ગઝલના,
છંદો-છંદ પ્રાસાનુ પ્રાસ ચહેરો તારો.

પ્રતિબિંબ લઈ ઘુમે છે ગલીઓમાં,
આયનાની તલાશ ચહેરો તારો.

આંખોની તૃષ્ણા એક જનર તારી,
ને નજરની પ્યાસ ચહેરો તારો.

આવ નજદીક એક વાત કહું ખાનગી,
છે ચહેરાઓમાં ખાસ ચહેરો તારો.

દૂર દૂર પાસ પાસ ચહેરો તારો,
છે મૃગજળ કે ચાસ ચહેરો તારો.

રચનાઃ ફકત તરુણ
કાવ્ય સંગ્રહઃ સંગે મરમર