Archive for ફેબ્રુવારી, 2009

મણીયારો – ભાગ ૯

ફેબ્રુવારી 27, 2009

Advertisements

તું મારા દિલને…

ફેબ્રુવારી 25, 2009

મિત્રો,

મારુ એક પ્રિય ગીત “For me… For me… Formidable” કે જે ફ્રેન્ચ ભાષામાં અને અંગ્રજી ભાષામાં લખાયેલુ છે અને ખુબ જ પ્રખ્યાત ફ્રેન્ચ ગાયક ચાર્લ્સ એઝનાવરે તેને ગાયેલુ છે…. તે ગીત પરથી તેના જેવુ ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે…! છંદ સાચવવાનો પણ મરણીયો પ્રયાસ કર્યો છે…! કાફિયા વિશે થોડી છુટ લઈ લીધી છે…!

મુળ ગીત પણ આપ સૌ માટે અહી મુકી રહ્યો છું… તેના શબ્દો મે વિડિયોમાંજ મુકી દીધા છે… મોટા ભાગનુ ફ્રેન્ચ હોવાથી બહુ ખબર ન પડે તો ચિંતા ન કરશો પણ ગીત સાંભળવાની તો મજાજ આવશે તે મારી ગેરેન્ટી…!

તો સાંભળો તે ગીત અને પછી વાંચો તેના પરથી પ્રેરાયેલી મારી રચના…!

તું મારા માટે, મારા માટે, મારા માટે બનેલી
તું મારા દિલને, મારા દિલને, મારા દિલને ગમેલી

તારી આંખો, તારી વાતો, જાણે રુબીકની પહેલી
તું છે કવિતા, તું છે શાયરી, મિર્ઝા ગાલિબે કહેલી

તું મારા દિલને …

વાચુ જો હું, તે વારે વારે વાચ્યા જ કરું છું
જાણે કે કોઈ પ્રેમની વાર્તા શેક્સપીયરે લખેલી

તું મારા દિલને …

ખુબ જ ચાહું, ખુબ જ ચાહું, પામી લેવા હું ચાહું
કે તું તો છે ને મારા માટે, મારા માટે બનેલી

તું મારા દિલને …

છંદ વિધાનઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

રચનાઃ રાજીવ ગોહેલ

ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી

ફેબ્રુવારી 23, 2009

પ્રિય મિત્રો,

આજે મહાશિવરાત્રીના શુભ પ્રસંગે આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ…! મારા બ્લોગ પર મહાદેવ શિવજીની ભક્તિ માટે એકથી વધારે રચનાઓ મુકેલી જ છે…! આપ સૌ માટે તે બધી રચનાની લીંક કરી અહી મુકી રહ્યો છું

श्री शिवताण्डवस्तोत्रम
શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર
શ્રી રુદ્રાષ્ટકમ્
શિવ અષ્ટકમ
શ્રી શિવ પ્રાતઃ સ્મરણ

અને સાથે સાથે ગુણના પતિ દેવ શ્રી ગણપતિની એક સુંદર આરતી મન્ના ડેના સ્વરમાં મુકી રહ્યો છું

રાજીવ

સમરુ સાંજ સવેરા, એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
માતા રે કહીયે જેની પાર્વતિ, એ સ્વામી, પિતારે શંકર દેવા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી…

ગીરે સિંદુરની તમને સેવા ચઢે રે સ્વામી, હે ગળે ફુલડાંની માળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી

મયુર મુંગટ, સીરે છત્ર બિરાજે સ્વામી, કાનોમાં કુંડલ માળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી

અઢારે વરણના તમે વિઘ્ન હરો છો સ્વામી, ધરમની બાંધેલ ધર્મશાળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી

કહે રવિરામ સંતો ભાણના પ્રતાપે સ્વામી, ખોલેલ બ્રહ્મના રે તાળા
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી

સમરુ સાંજ સવેરા, એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી
એવા ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી…

સ્વરઃ મન્ના ડે
રચનાઃ રવિરામ
આલ્બમઃ ચલો રે હંસા

પ્રભાત અને સંધ્યાના રંગો…

ફેબ્રુવારી 22, 2009

મિત્રો,

થોડા દિવસો પહેલા ગ્રેટ ઓસન રોડની ફરીથી મુલાકાત લીધી… ઓસ્ટ્રેલીયાનુ સૌથી સારુ ફરવા લાયક સ્થળ… આમ તો ફક્ત રસ્તોજ છે… પણ ખાસો લાંબો… કીલોમીટરના કીલોમીટર સુધી ફેલાયેલો… અને આખાજ રસ્તા પર, તમારી એક તરફ ઉચા ઉંચા ટેકરા અને તેના પરની હરિયાળી અને બીજી તરફ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફેલાયેલો દરિયો… એટલેજ તો એને ગ્રેટ ઓસન રોડ કહે છે…! વચ્ચે અનેક બીચ અને અનેક બીજા ફરવાલાયક સ્થળો… કઈ કેટલાય રાષ્ટ્રીય ઉધ્યાનો… અને અભયારણ્યો…! આ મારી ત્યાંની ચોથી મુલાકાત હતી… આ વખતે અમે સમય લઈને ગયા હતા તેથી શાંતિથી કુદરતના ખોળે રહી શકાય…! લોર્ન અને પોર્ટ કેમ્પબેલની નજીક આવેલા ૧૨ એપોસ્ટલ્સ પાસે પ્રભાતના અને સંધ્યાના થોડા ફોટા મારા નવા ડીજીટલ એસ. એલ. આર કેમેરા (સોની આલ્ફા એ-૩૦૦)થી લીધા અને કુદરતની લખેલી કવિતાઓને છબીરુપે કેદ કરવાની કોશિશ કરી… થોડા એજ કાવ્યો અહી આ સાથે મુકી રહ્યો છું…!

આપનો મિત્ર – રાજીવ

પ્રભાતના રંગ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ પાણી પર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ પાણી પર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સુર્યના કિરણોમાં જીંવત પથ્થરો, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સુર્યના કિરણોમાં જીંવત પથ્થરો, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

આભમાં પ્રભાતના હસ્તાક્ષર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

આભમાં પ્રભાતના હસ્તાક્ષર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

ચમકી ઉઠેલુ વાદળુ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

ચમકી ઉઠેલુ વાદળુ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સંધ્યાના રંગ, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના રંગ, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના પંખીઓનો કલશોર, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના પંખીઓનો કલશોર, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના નભમાં છે લાલી શરાબી, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના નભમાં છે લાલી શરાબી, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

આ સાથે શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)ની રચના “આકાશ દર્શન” કે જે આ બધા ફોટા માટે જ લખાય છે તે મુકી રહ્યો છું…!

રુપ નીતરતું આભ અનેરું છલકાતું મલકાતું’તું
શ્વેત શ્યામલ ઘટા ઉપહારે નભ ભૂરું હરખાતું’તું

દૂર વ્યોમે ધૂપ છાયે હસી હસી ડુંગર લહેરાતા’તા
પંખ પસારી વ્યોમ પંખીડા મસ્ત મસ્તીથી વિહરતા’તા

અધ ખૂલ્લા નભ પટે ભાનુ ભૂરા સાજ સજાવતો’તો
દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી પૃથ્વીવાસી હરખાતો’તો

જળ તરંગો અનંગ સપાટે ઉર ઊર્મિ ઉછાળતા’તા
ઉડતા આવી પંખી ટોળાં કલરવ વૃક્ષોએ ભરતા’તા

નીર પટે નાનાં જળચર રમ્ય પથ પ્રગટાવતા’તા
ભરી છાબ ઉમંગ પુષ્પે વહાલ વિધાતા વરસાવતા’તા

નેત્ર રમ્ય ચિત્રણ ચિત્તે કોઈ રંગભરી ચીતરતું’તું
નીલ નભે મનોહર ઉજાશે દિલે દર્શન ખીલતું’તું

– રમેશ પટેલ (આકાશદીપ)

મણીયારો – ભાગ ૮

ફેબ્રુવારી 20, 2009

… पाक हो गए

ફેબ્રુવારી 18, 2009

light-vented-bulbul

रोने से और `इश्‌क़ में बेबाक हो गए
धोए गए हम इत्‌ने कि बस पाक हो गए

આંસુ સારતા રહેવાથી પ્રેમમા અમે વધારે બેબાક બની ગયા, અમે એટલી બધી વાર તો ધોવાયા કે પવિત્ર બની ગયા.

सर्‌फ़-ए बहा-ए मै हुए आलात-ए मै-कशी
थे यह ही दो हिसाब सो यूं पाक हो गए

શરાબ પિવાનુ પાત્ર પણ વેંચીને અમે શરાબ પી ગયા, અને સરવાળે થયુ એવુ કે બધો જ હિસાબ સાફ/પાક/શુધ્ધ થઈ ગયો. (અમારે બે જ ગણતરી હતી – એક તો શરાબ કઈ રીતે મેળવવો અને બીજુ શરાબનુ પાત્ર ક્યાં સંઘરવુ – અમે શરાબનુ પાત્ર વેંચી તેનો પણ શરાબ પી ગયા અને આમ બન્ને હિસાબ સાફ થઈ ગયા)

रुस्‌वा-ए दह्‌र गो हुए आवारगी से तुम
बारे तबी`अतों के तो चालाक हो गए

ભલે તમે બદનામ થઈ ગયા તમારી આવારાગર્દીથી, તો શું થયુ પણ આ બધાને લીધે હવે તમે ચાલાક બની ગયા.

कह्‌ता है कौन नालह-ए बुल्‌बुल को बे-असर
पर्‌दे में गुल के लाख जिगर चाक हो गए

કોણ કહે છે કે બુલબુલના ગીતોમાં કોઈ અસર નથી?, જુઓ તો ખરા ફુલોના પરદામાં લાખો જીગર ચાક થઈ ગયા (વિંધાય ગયા)

पूछे है क्‌या वुजूद-ओ-`अदम अह्‌ल-ए शौक़ का
आप अप्‌नी आग के ख़स-ओ-ख़ाशाक हो गए

ઘાસ અને તણખલાં આગને મળ્યા અને આગ બની ગયા, હવે આને હોવુ કે ન હોવુ બન્ને કહી શકાય, જાણે કે લાગણીઓને સમ્પુર્ણ રીતે ભુલી ગયાનો અહેસાસ.

करने गए थे उस से तग़ाफ़ुल का हम गिलह
की एक ही निगाह कि बस ख़ाक हो गए

અમે ગયા હતા તેમની સામે અમારી અવગણના કરવાની ફરિયાદ અને એની એક નજર અમારા પર પડી અને અમે રાખ થઈ ગયા.

इस रन्‌ग से उठाई कल उस ने असद की न`श
दुश्‌मन भी जिस को देख के ग़म-नाक हो गए

કઈ એવી અદાથી ઉપાડી કાલે એમણે “અસદ”ની લાશ (જનાજો), કે દુશ્મનો પણ તે જોઈને દુઃખમાં ગરકાવ થી ગયા

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

પર્યાય

ફેબ્રુવારી 16, 2009

(સંધ્યાના રંગ - ૧૨ એપોસ્ટલ્સ (પોર્ટ કેમ્પબેલ) - ઓસ્ટ્રેલિયા - ૮/૨/૨૦૦૯)

(સંધ્યાના રંગ - ૧૨ એપોસ્ટલ્સ (પોર્ટ કેમ્પબેલ) - ઓસ્ટ્રેલિયા - ૮/૨/૨૦૦૯)

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

– ગૌરાંગ ઠાકર