શોધ્યા કરું હું

આપણી એ પ્હેલી મુલાકાતને શોધ્યા કરું હું
તારી આંખોમાં ઉભેલી વાતને શોધ્યા કરું હું

ઊંઘ ઉડી ગઈ અમારી ખ્વાબ જોઉં કઈ રીતે હું?
આવી’તી તું ખ્વાબમાં તે રાતને શોધ્યા કરું હું

તું મને દેખાય, મુજ અસ્તીત્વનીયે આરપારે
તું મહીં ખોવાઈ, મારી જાતને શોધ્યા કરું હું

શ્વાસ રાહતનો કદીયે એક પણ આપ્યો નહીં તેં,
ખુબ ભાગ્યા બાદ તો નિરાંતને શોધ્યા કરું હું

પ્રાણના ઉડ્યા પછી ખાલી થયેલા પિંજરામાં
કોઈ પારેવાં તણાં ફફડાટને શોધ્યા કરું હું

હૃદયને ચીરી તમારી યાદને જે વીંધી નાખે
પાર્થના ભાથા મહીં એ બાણને શોધ્યા કરું હું

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

– રાજીવ

Advertisements

9 Responses to “શોધ્યા કરું હું”

 1. રાજીવ Says:

  વહાલા મિત્રો,

  ફરીથી નવી રચના આપની સમક્ષ મુકી રહ્યો છું… આ વખતે જીવનના વિવિધ તબક્કે માનવી કઈને કઈ શોધ્યા કરે છે તેવી કલ્પનાને શબ્દોમાં મુકી રહ્યો છું…! છંદના બંધારણની સાથે સાથે મત્લા, રદીફ અને કાફીયાને બરાબર પકડી રાખવાનો પ્રયાસ કર્યો છે… હવે તે બધુ બરાબર પકડાયુ છે કે નહી તે તો આપ સૌ જાણકાર મિત્રોજ મને જણાવી શકે… બરાબર ને???

  કોઈ પ્રેમી તેના પ્રિયતમ સાથેની પ્રથમ મુલાકાત શોધ્યા કરે છે… અને આમ પણ પ્રથમ વખતના આનંદ અને ઉન્માદની અનુભુતિ જીવનમાં ક્યારેય ભુલાતી નથી… પ્રિય પાત્રની આંખોમાં આવીને ઉભેલી વાતને વાંચવાનો, સમજવાનો અને શોધવાનો પ્રયાસ આપણામાંથી કેટલાયે નહી કર્યો હોય??? એકજ વાર કોઈને સ્વપ્નમાં જોઈ રાતની ઊંઘ ઉડી જાય અને પછી જીવનભર તે રાતને શોધ્યા કરવાની… પોતાના અસ્તિત્વને ખોઈ અન્યમાં સ્વને શોધ્યા કરવાનુ… ખુબ ચાલ્યા પછી, જીવનની દોડાદોડીમાં માનવી રાહતનો શ્વાસ શોધ્યા કરે છે…

  નિષ્પ્રાણ દેહમાં પણ માનવી ક્યારેક જીવનનો ફફડાટ શોધ્યા કરે છે… દુઃખ દર્દને વીંધી નાખે તેવા અર્જુનના અચુક તીરને માનવી શોધ્યા કરે છે…!

  પણ શું આ બધુ માનવીને ક્યારેય મળે છે…???

  આપજ જણાવો મિત્રો… આપના અભિપ્રાયોનો સદૈવ ઈંતજાર રહેશે.

  આપનો
  રાજીવ

 2. વિવેક ટેલર Says:

  છંદ પર હવે ઝડપભેર પકડ આવી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન.

  આદત મુજબ બે જગ્યાએ ધ્યાન દોરવા ચહીશ:

  મુલાકાતમાં મુને ગુરુ ગણ્યો છે એ દોષ ગણાય. ‘મુ’ લઘુ તરીકે જ લઈ શકાય.

  એજ પ્રમાણે છેલ્લા શેરમાં દિલને ગાલ પ્રમાને લીધું છે. આપણે દી-લ એમ બોલતાં નથી પણ એક જ થડકારામાં ‘દિલ્’ બોલીએ છીએ એટલે દિલને ફક્ત એક જ ગુરુ-ગા- તરીકે જ લઈ શકાય.

 3. હેમંત પુણેકર Says:

  ખૂબ સરસ રાજીવ! વિવેકભાઈની વાત સાચી છે. મુલાકાતમાં “મુ” ને કદાચ એકવાર ગુરુ તરીકે ચલાવી શકાય પણ દિલનું માપ તો ગા લેવું જ રહ્યું.

  એક (વણમાગી ;-)) સલાહ કાફિયા વિશે. ગઝલના પ્રથમ શેરમાં કાફિયાની યોજના જોઈએ તો મૂલાકાત અને વાત ને આધારે કાફિયાનો આધાર “આત” એવો સ્થાપિત થાય છે. {કાફિયાનો આધાર કંઈક અંશે ગણિતના ગુ.સા.અ. જેવો છે. પાછળથી શરૂ કરીને સમાન વ્યંજન આવતા હોય તે બધા અને જ્યાં વ્યંજન બદલાતો હોય એનો સ્વર લેવાનો.} આ આધાર આવનારા શેરોમાં જાળવવો રહ્યો. છેલ્લા બે શેરમાં આ આધાર જળવાતો નથી. બહુ મોટી ભૂલ નથી, પણ આગળની ગઝલોમાં ધ્યાન રાખી શકે એટલા માટે લખી.

 4. વિશ્વદીપ બારડ Says:

  sundar rachna

 5. devika dhruva Says:

  પ્રાણના ઉડ્યા પછી ખાલી થયેલા પિંજરામાં
  કોઈ પારેવાં તણાં ફફડાટને શોધ્યા કરું હું……

  nice creation.. Congratulations.

 6. pragnaju Says:

  સરસ રચના
  પ્રાણના ઉડ્યા પછી ખાલી થયેલા પિંજરામાં
  કોઈ પારેવાં તણાં ફફડાટને શોધ્યા કરું હું
  પંક્તીઓ ગમી
  ગઝલ ગુરુઓની ચીલ દ્રૃષ્ટિમા ફક્ત એક છૂટ નજર આવી!
  તે તમારી કવિ તરીકે પ્રગતિ છે

 7. રાજીવ Says:

  પ્રિય મિત્રો,

  ખુબ ખુબ આભાર આપ સૌના પ્રતિભાવ માટૅ… ખાસ કરીને ડો. વિવેકભાઈ અને હેમંતના સુચન માટે બન્નેનો ખુબ આભાર… એક ભુલ સુધારવા “દિલ” ને સ્થાને “હૃદય” મુકી રહ્યો છુ, જેથી તેને “ગાલ” ગણી શકાય.

  મિત્રોની દરેક સલાહ સુચન આવકાર્ય છે 😉

  રાજીવ

 8. Rekha Says:

  ઊંઘ ઉડી ગઈ અમારી ખ્વાબ જોઉં કઈ રીતે હું?
  આવી’તી તું ખ્વાબમાં તે રાતને શોધ્યા કરું હું

  sundar

 9. Pinki Says:

  sundar rajivbhai………

  aam j safalata melavata raho……….

  saras gazal !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: