… સજાવી જાયછે

ગડગડાટ આભલે વાદળોની શક્તિથી સરજાય છે
કંદરાના પડઘા મફતમાં હુંકારા ધરી જાય છે

લાવ લાવની લતે સાગર ખારો થઈ પસ્તાય છે
ન્યોછાવરી મેઘો લીલોતરીની પ્રસાદી પીરસી જાય છે

છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય છે
ઢોળના દાગીના સુર્વણ ભાવે વેચાઈ જાય છે

સાચા ફૂલો થયા જે બીચારા તવાયે શેકાય છે
કાગળના ફૂલો મહેફીલના રંગો માણી જાય છે

દ્વારે ઊભા ભગવાન સામે કમાડ બંધ થાય છે
થાપ દઈ શ્રધ્ધાને પાખંડી ખુદ પૂંજાઈ જાય છે

રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય છે
માનવમાં માનવતા ખીલે તો પ્રભુતા પ્રગટી જાય છે

આકાશદીપ ગ્રહણ દોષે વિષાદી વરતાય છે
થઈ સપ્તરંગી વિજ ઉત્સવો સજાવી જાય છે

– રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

13 Responses to “… સજાવી જાયછે”

 1. nilam doshi Says:

  દ્વારે ઊભા ભગવાન સામે કમાડ બંધ થાય છે
  થાપ દઈ શ્રધ્ધાને પાખંડી ખુદ પૂંજાઈ જાય છે

  nice…

 2. વિવેક ટેલર Says:

  કાફિયા અંગેની ગેરસમજ અને છંદની ગેરહાજરી ગઝલને ગઝલની કક્ષાથી નીચે લઈ જાય છે. ભાવ સરસ છે. વિચારોની ગહનતા પણ છે પરંતુ કાવ્યસ્વરૂપ જળવાવું પણ અનિવાર્ય છે.

 3. Vital Patel Says:

  Shri Vivek,
  Really heart touching unique thoughts
  of Shri Ramesh Patel.
  can we learn more about your comments?
  pl. rewrite and explore for benefits of all.
  Vital Patel

 4. pragnaju Says:

  ભાવવાહી રચના
  રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય છે
  માનવમાં માનવતા ખીલે તો પ્રભુતા પ્રગટી જાય છે
  પંક્તી ગમી
  ભરતની આ રચના જુઓ
  ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે
  પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે
  જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
  ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે

 5. Rajiv Says:

  પ્રિય વિતલ,

  આપની કોમેન્ટ વાંચી અને તમે ડો. વિવેકને પુછેલા સવાલ વિશે હું મારી સમજ પ્રમાણે થોડુ લખિશ અને શક્ય હશે તો તેમને ફરી અહી કોમેન્ટ મુકવા વિનંતી કરીશ.

  સૌ પ્રથમ વાત, ડો. વિવેકભાઈ એ ગુજરાતી કાવ્ય જગત અને ગઝલ જગતનુ એક ખુબજ ખ્યાતનામ નામ છે. તેઓ જ્યારે કોઈ અભિપ્રાય આપે ત્યારે તેને નકારાત્મક રીતે ન લેતા તેનો મર્મ સમજી શકાય તો આપણને ખ્યાલ આવે કે તેઓ આપણા સારા માટે અને આપણી રચનાની ઉત્કૃષ્ટતા માટેજ કઈ કહી રહ્યા હોય છે.

  અહી તેઓ એમ કહેવા માંગે છે કે રમેશભાઈની રચના છંદબધ્ધ નથી અને તેમા કાફિયાની સમજ પણ તુટતી હોય એવુ લાગે છે…!

  હુ પણ આ વિષયનો ખાસ જાણકાર નથી તેથી વિશેષ કઈ કહી નહી શકુ…! શક્ય હશે તો ડો. વિવેકભાઈને અરજ કરીશ કે તેઓ આ બાબતે વધારે પ્રકાશ પાડે.

  આભાર સહ

  રાજીવ

 6. Vital Patel Says:

  Shri Rajivbhai,
  Ihave a great respect for Shri Vivekbhai,and
  earlier his constructive comments are found
  insping and hence request is made with Good spirit.your love and respect flashes many times.
  with regards
  Vital Patel

 7. Swetal Patel Says:

  ગઝલના ભાવ અને ઉડાણ સરસ રીતે ગૂંથતી સારી ગઝલ
  Sweta Patel

 8. Chirag Patel Says:

  ગડગડાટ…કંદરાનો હુંકાર
  સાગર…મેઘ
  ફૂલો..કાગળના ફૂલો…કુદરત અને માનવ જીવનને ઉજાગર કરતી
  કૌશલ્ય પૂર્ણ કૃતિ.માણવાનું મન થાય એવી રચના .
  ચીરાગ પટેલ

 9. હેમંત પુણેકર Says:

  પ્રિય મિત્ર રાજીવ, વિતલ,

  જેઓ અછાંદસ ગઝલસદૃશ પ્રકાર લખે છે એમના પ્રત્યે મને કૂણી લાગણી છે, કારણ કે મેં પણ એ જ રીતે શરૂઆત કરી હતી. તમે જગજીતસીંઘ, ગુલામ અલીની ગઝલો સાંભળીને મોટા થયા હોવ તો ગઝલ પ્રત્યે આપોઆપ ખેંચાણ થાય અને કોઈપણ શાસ્ત્રીય જાણકારી વગર ગઝલ લખવાની ઈચ્છા પણ થાય. એમાં કંઈ ખોટુ નથી.

  આવી કૃતિઓમાં શાસ્ત્રીયતા અભાવ રહેવાનો જ. મને લાગે છે આવી કૃતિઓમાં કાવ્ય છે કે નહીં એ ચકાસવું વધારે જરૂરી છે. જો કાવ્યરૂપી આત્મા હોય તો એને યોગ્ય ક્વેલર ચઢાવીને ગઝલ સ્વરૂપ આપી શકાય. ક્વેલર ચઢાવવાની પ્રક્રિયા મહેનત માગી લે છે એ કરવાની કવિની તૈયારી હોવી ઘટે. ન હોય, તો અછાંદસ કાવ્ય લખવામાંય કશુ ખોટુ નથી.

  છંદ શીખતા શીખતા છંદબદ્ધ એવી રચનાઓ લખાઈ જવાનો ભય રહે છે જેમાં કાવ્ય હોતું નથી. આ ભયસ્થાન અંગે ધ્યાન રાખવું જરૂરી છે.

  ગઝલ વિશે શાસ્ત્રીય માહિતી માટે રઈશ મનીઆર સાહેબનું ગઝલઃરૂપ અને રંગ પુસ્તક મને ખૂબ ઊપયોગી થયું છે. આ ઉપરાંત બ્લૉગ જગતમાં મહંમદ અલી ભૈડુ “વફા” સાહેબના બ્લૉગ ઉપર છંદ વિશે સારી જાણકારી છે. વિવેકભાઈના બ્લૉગ ઉપર જે ચર્ચા છે એ સમજવા માટે છંદનું થોડું ઘરકામ થયેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત કાવ્યસૂર ઉપર મેં ગઝલશાસ્ત્ર આજથી એકાદ વર્ષ પહેલા વાંચ્યું હતું જેની લિન્ક હવે ચાલતી નથી. જુગલકાકાના બ્લોગ પર છંદોની માહિતી છે, પણ એ આપણા પારંપરિક છંદો અંગે વધારે છે. મને યાદ છે ત્યાં સુધી એમણે ગઝલના છંદો અંગે થોડુક લખ્યાનું મને યાદ છે.

 10. Keyur Patel Says:

  સુંદર વિચારોની સરસ રજુઆત,કવિતા એક કળા છે,અલંકાર છંદ અને લય એટલે શોભા,
  ભેગા મળીને વધુ જાણીએ,શીખીયે અને શ્રી રાજીવ ની સૌને પ્રોત્સાહીત કરતી ભાવનાને બીરદાવીએ.મારી નજરે આ રચના સૌના હૃદયમાં સ્થાન મેળવી જાય તેવી છે.વિવેચનને આવકારવું ગમશે.
  કેયુર પટેલ

 11. વિવેક ટેલર Says:

  પ્રિય મિત્રો,

  રાજીવના આગ્રહથી અને વિતલના પ્રતિભાવથી પ્રેરાઈને થોડું કહીશ:

  કોઈપણ કાવ્યપ્રકારનું એક સુનિશ્ચિત બંધારણ હોય છે. જેમ નક્શા વિનાની ઈમારત કે પ્લાનિંગ વિનાનું જીવન ખોરંભે ચડી જવાની શક્યતા છે તેમ કાવ્ય કે અન્ય કોઈપણ કળા એના મૂળભૂત શાસ્ત્રના પૂરતા જ્ઞાન વિના ખોરંભે ચડી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

  ગઝલ એ વિશિષ્ટ પ્રકારનો કાવ્યપ્રકાર છે જેમાં બે કડીઓનો એક સ્વતંત્ર શેર બને છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે અને આખરી શેરમાં જો કવિનું ઉપનામ હોય તો એને મક્તા કહે છે. ગઝલમાં મત્લાના શેરની બંને કડી અને બાકીના શેરની બીજી કડીના અંતે પ્રાસ અને અનુપ્રાસ આવે છે જેને અનુક્રમે કાફિયા અને રદીફ કહે છે.

  મારી એક ગઝલના ઉદાહરણથી આ વાત સમજાવીશ:

  કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
  શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.

  હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
  એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.

  પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
  આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?

  એક નદી કાંઠાઓ પાછા તોડવા
  નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.

  ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
  કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.

  -ઉપરોક્ત ગઝલમાં પહેલા બે શેરમાં બંને કડીમાં પ્રાસ અને અનુપ્રાસ આવે છે એટલે આ ગઝલમાં બે મત્લા ગણાય. અહીં ભોંકાઈ, ઠોકાઈ, રોકાઈ, ડોકાઈ, ટોકાઈ વગેરે શબ્દ એકસમાન પ્રાસ ધરાવે છે જેને કાફિયા કહેવાય છે. જ્યારે બધા શેરમાં અંતે ‘ગઈ’ શબ્દ યથાવત રહે છે જેને અનુપ્રાસ અથવા રદીફ કહે છે.

  અને ગઝલનું પોતાનું એક છંદ શાસ્ત્ર છે જેના વિશે અહીં વાત કદાચ નહીં કરી શકાય. એના વિશે તો એક પુસ્તક લખવું પડે.

  બાકીની વાત હેમંતભાઈએ કરી જ છે…

 12. Ramesh Patel Says:

  શ્રી રાજીવભાઈ,
  આપશ્રી,વિતલ.શ્રી પૂણેકરજી અને ડૉ શ્રી વીવેકભાઈ અને અભિપ્રાય આપી ,પ્રેરણા અને
  માર્ગદર્શન આપનાર સૌ મિત્રોનો હૃદય પૂર્વક આભાર માનું છું.ડૉ શ્રી વિવેકભાઈ અને તેમના લયસ્તરો નું પ્રદાન નોંધનીય છે.તેમણે સમય આપી ,મુલ્યવાન માર્ગદર્શન આપ્યું છે,તેમનો વિશેષ આભાર.
  મને વિવિધતાથી ભરેલા કાવ્યો લખવાનો શોખ છે,પુરુષ્કૃત પણ થયેલા છે. ગઝલ બાબતે શ્રી રાજીવ ભાઈ પાસેથી પ્રેરણા મેળવી ,તેમણે આપેલા આવકારને લીધે આ પ્રયાસ કર્યો છે.
  મને પણ સારી કૃતિ માટે આ પ્રમાણે માર્ગદર્શન મળે ,તેવી ઈચ્છા છે.ભવિષ્યમાં આ સોનેરી સલાહ ખૂબજ ઉપયોગી છે અનેસૌને માટે અભાર વ્યક્ત કરું છું
  શ્રી રાજીવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
  રમેશચન્દ્ર પટેલ(આકાશદીપ)

 13. રાજીવ Says:

  ડો. વિવેકભાઈના સુંદર પ્રતિભાવ અને વિગતવાર માર્ગદર્શન અને સ્પષ્ટતા માટૅ તેમનો ખુબ ખુબ આભાર…!

  તેમણે કહેલી વાત કે “…કોઈપણ કાવ્યપ્રકારનું એક સુનિશ્ચિત બંધારણ હોય છે. જેમ નક્શા વિનાની ઈમારત કે પ્લાનિંગ વિનાનું જીવન ખોરંભે ચડી જવાની શક્યતા છે તેમ કાવ્ય કે અન્ય કોઈપણ કળા એના મૂળભૂત શાસ્ત્રના પૂરતા જ્ઞાન વિના ખોરંભે ચડી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે….” ખુબ જ સુંદર લાગી

  રાજીવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: