Archive for ઓક્ટોબર, 2007

બેડી

ઓક્ટોબર 31, 2007

supply_chain.jpg

અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો

કોઈપણ દ્રશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો

ન જાણે શાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

– “ઘાયલ”

Advertisements

હું ઉભો છું

ઓક્ટોબર 26, 2007

desert_moon_2.jpg

અસંખ્ય ક્ષણો જાણે સમાયા કરે છે મારી ભીતરમાં
અને હું ઉભો છું ત્યાં, કે જ્યાં હાથ તારો છુટ્યો હતો

ભુલી ગયો છું સઘળા પુસ્તકોનુ જ્ઞાન એકસામટુ
યાદ છે પ્રેમનો અક્ષર, કે જે તારી સાથે ઘુટ્યો હતો

નથી નભાવી શક્યો એકપણ સંબંઘ હું સારી રીતે
મારી એકલતાના રણમાં હું જ બાવળ બની ફુટ્યો હતો

હતું અમને કે નહિ બતાવીએ આંસુ અમે કોઇને
જ્યારે પાંપણોની પાળ તુટી, દરિયો પણ ખુટ્યો હતો

હવાના નાજુક ઝોંકે જ જમીન પર વિખેરાઈ ગયો
હું મારી જીંદગીમાં કંઇક એટલીવાર તુટ્યો હતો

તેથી જ કદાચ ‘રાજીવ’ શ્વાસ લેતાં ગભરાય છે
દરેક શ્વાસ તેને કટાર બની દિલમાં ખુંચ્યો હતો

– રાજીવ

મૃત્યુ ન કહો

ઓક્ટોબર 24, 2007

flower1.jpg

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

સમજાતુ નથી

ઓક્ટોબર 19, 2007

hot_lips.jpg

કહેવુ છે ઘણું ને, કઇ કહેવાતુ નથી
હોંઠથી ચુપ છતાં, હવે રહેવાતુ નથી

તે જે કહ્યુ નથી તે બધુ સમજી ગયો
તે જે કહી દીધુ, તે મને સમજાતુ નથી

નહતો મળ્યો કદી, તેઓને ઓળખી ગયો
ને સાથે ચાલનાર કોઇ ઓળખાતુ નથી

આ શ્વાસો આવે છે ને ચાલ્યા જાય છે
ને આમ જોઈયે તો, અહી જીવાતુ નથી

છે બાગ પર પણ કેવી પાનખરની અસર
કે ફુલ કોઇ હવે, અહી મુસ્કુરાતુ નથી

આ જીવનનો ભાર વેઠી થાકી ગયા સૌ
‘રાજીવ’ને કોઇ ચિતા સુધી પહોચાડતુ નથી

– રાજીવ

વહેવાર પણ ગયો

ઓક્ટોબર 17, 2007

beach7.jpg

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

– ‘મરીઝ’

શબ્દો

ઓક્ટોબર 12, 2007

word.jpg

શબ્દો, કે જે,
તું કહી શકી નથી!!
અને હૂં
સાંભળી શક્યો નથી

તે શબ્દો કે જે સાંભળવા
હું જીવી રહ્યો છું
તે શબ્દો, હજી
મારા શ્વાસને
મળ્યા નથી!!!

ક્યાં સુધી અને
કેટલી હદ સુધી,
હું રાહ જોઇ શકીશ…!?

અને
તું પણ, દરેક વખતે…
“મારે કઇક કહેવૂ છે…-
પણ પછી કહીશ !!!”
આટલુ કહી
અટકી જાય છે!!

તારી આંખોને
તારા મૌનને
હૂં
વાંચવા પ્રયત્ન કરુ છું
અને દરેક વખતે
મને મળે છે,
નિષ્ફળતા…!!
ઉદાસીનતા…!!
એકલતા…!!

અને હું ડુબી જાંઉ છુ,
આ અંધકાર, અને
એકલતાના મહાસાગરમાં…!!
તને શોધવા,
તારા શબ્દો સાંભળવા
તારી આંખો વાંચવા
તારા મૌનનો-
પડઘો ઝીલવા…!!
અને, શું
હું
આ પડઘો ઝીલી શકીશ ?
શું હું
આ મૌન તોડી શકીશ ?

– રાજીવ

પગલાં

ઓક્ટોબર 10, 2007

footstep.jpg

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

– ‘આદિલ’