Archive for એપ્રિલ, 2007

ઝાંખી

એપ્રિલ 30, 2007

fate.jpg

જીંદગી જીવવા ખાતર જીવી નાંખી છે
આ ધડકનો નકામી સાચવી રાખી છે

બધાના દુઃખો પર અજવાળુ પાથરીને
આ સાંજ પણ ગમગીન થઇ આથમી છે

મારી અંદર તો દુઃખોનો જ્વાળામુખી છે
આ બહાર જે દેખાય છે, તે ફક્ત ઝાંખી છે

શ્વાસ લઉ છું છતાં જીવ ગુંગળાય છે
મારા ગળા પર જાણે શ્વાસોની ફાંસી છે

‘રાજીવે’ જીવનભર મર્યા કરવાનુ છે
કોઇએ આવી ભવિષ્યવાણી ભાખી છે

– રાજીવ

Advertisements

ટોળાંની શુન્યતા

એપ્રિલ 28, 2007

emptyness.jpg

ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…
મારા જીવનનો મર્મ છુ, હું છું ને હું નથી…

હું તો નગરનો ઢોલ છુ, દાંડી પીટો મને…
ખાલી પણુ બીજા તો કોઇ કામનુ નથી…

શુળી ઉપર જીવુ છુ, ને લંબાતો હાથ છુ…
મારાંમા ને ઇશુ માં બીજુ કૈં નવુ નથી…

નામર્દ શહેનશાહનુ ફરમાન થઇ જઇશ…
હું ઢોલ છુ, પીટો, મને કઇ પણ થતુ નથી…

– જવાહર બક્ષી

સ્વર અક્ષર

એપ્રિલ 26, 2007

અંતરના પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર,
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર…

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઈને ખુશ્બૂ વહેતી ઘર-ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર…

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછી રંગ ભરે ને દૃશ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર…

-શ્યામલ મુન્શી

પ્રેમ કહાણી

એપ્રિલ 25, 2007

nano-flowers.jpg

આજે એક ખુબ ટુંકી પણ ખુબજ અસરદાર અને ભલભલાની આંખમાં આંસુ લાવી શકવામાં સક્ષમ એવી પ્રેમ કહાણી આપી રહ્યો છું.

એક શહેરમાં એક છોકરો રહેતો હતો, ખુબ સરળ અને સારો, પણ તે ખુબજ ભયંકર બિમારીથી પીડાઈ રહ્યો હતો, જો કે તેને જોઈને એવુ ન લાગે તે બિમાર હશે, પણ ડોક્ટરોએ ભવિષ્ય ભાખી દીધુ હતુ કે તે એકાદ મહિનાથી વધારે જીવી નહી શકે.

આ છોકરાને તેના ઘરથી થોડે દુર આવેલા એક વિશાળ મ્યુઝીક સ્ટોરમાં કામ કરતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે પોતાની પરીસ્થીતીથી અજાણ ન હતો તેથી તે એ છોકરીને કઈ કહી શકતો ન હતો. તે રોજ સવારે તે મ્યુઝીક સ્ટોરમાં જતો, આમ તેમ ફરતો અને એક સી.ડી લઈ, પેલી છોકરીને દુરથી જોયા કરી, તેની પાસે જઈ બીલના પૈસા ચુકવી ઘરે જતો રહેતો.

આ એનો ક્રમ બરાબર એક મહિના સુધી ચાલ્યો. અને એક દિવસ તે સ્ટોર પર આવ્યો નહી. પેલી છોકરી પણ તે છોકરાને રોજ જોતી હતી અને તે દિવસે તે પણ ખુબ બેચેન થઈ ગઈ હતી પેલા છોકરાના ના આવવાને લીધે. તે છોકરી એ બે દિવસ તે છોકરાની રાહ જોઈ અને આગળના દિવસે તેણે કસ્ટમરના ડેટા માંથી તે છોકરાનું સરનામુ શોધી કાઢ્યુ અને તે જ દિવસે સાંજે તે પેલા છોકરાના ઘરે પહોચી ગઈ.

ત્યાંનું વાતાવરણ જોઈ છોકરી એકદમ સ્તબ્ધ થઈ ગઈ, હિંમત કરી તેણે તે છોકરા વિશે પુછ્યુ તો તેને જાણવા મળ્યુ કે તે છોકરો બે દિવસ પહેલા મરી ગયો છે. તે છોકરાના મમ્મીને લાગ્યુ કે તે તેમના દિકરાની મિત્ર હશે તેથી તે છોકરીને તેના દિકરાના રુમમાં લઈ ગયા. ત્યાં રુમમાં તે છોકરીએ જોયુ તો ૩૦-૪૦ સી.ડી તેના પ્લાસ્ટીક કવર સાથે એમને એમ પડી હતી. તે છોકરાએ તે ઉઘાડી પણ નહતી. છોકરીને ત્યારે ખબર પડી કે તે ફક્ત તેને જોવા માટે સ્ટોરમાં આવતો હતો.

છોકરીને ખુબ અફસોસ થયો. તે ખુબ રડી અને ત્યાંથી વિદાય લીધી.

હકીકતમાં તે છોકરીને પણ તે છોકરો ગમતો હતો અને તે રોજ તેણે લીધેલી સી.ડી ના કવરની અંદર એક પત્ર લખીને મુકતી હતી. પણ તેના પ્રેમની જાણ છોકરાને ક્યારેય થઈ શકી નહી. કદાચ જો બંનેમાંથી કોઈએ પણ રજુઆત કરી હોત તો શક્ય છે છોકરો થોડા દિવસ વધુ જીવ્યો હોત.

સારઃ પ્રેમમાં દિલની વાતને સામેના પાત્રને જણાવવી ખુબ જરુરી છે. પ્રેમમાં માત્ર ભાગ્ય પર વિશ્વાસ રાખીને બેસી રહેવાથી કઈ ફાયદો થતો નથી. જો કોઈને ખરેખર પ્રેમ કરો છો તો તેને કહો… દિલ ખોલીને કહો…! ‘ના’ સાંભળવાથી ડરૉ નહી…!

હૂં મારા અનુભવથી કહું છું… દુનિયામાં ભાગ્યેજ કોઈ હશે કે જે એ વાત જાણી ગુસ્સે થશે કે કોઈ એને પ્રેમ કરે છે અથવા તો કોઈને તે ખુબ ગમે છે…! હૂં કોઈને ગમતો હોઉ અથવા તો કોઈ મને પ્રેમ કરતુ હોય તેનાથી વધારે આનંદની વાત મારા માટે કોઈ નથી.

– રાજીવ

તપ…

એપ્રિલ 22, 2007

birdfly.jpg

હું ત્યાંજ હોઉં છું, દરેક સાંજે પડેલો…
સવારે જ્યાં રચ્યા હોય છે સ્વપ્નનાં મહેલ,
તને મારી જીંદગીમાં લાવવાનું તપ…
રોજ આમજ હું કરતો રહુ છું સહેલ

એક તુંજ આખી મને, દેખાય છે સ્પષ્ટ,
શેષ સર્વ અંધકાર અને અસ્પષ્ટ,
તેથી જ

ચાલ કરીયે આપણા અસ્તિત્વનો કોઇ અર્થ,
ભરીએ હથેળી વચ્ચે આંખોની તરસ,
વીતી ગયેલા ક્ષણોની બીછાવી ભીંત
તેની રેતમાંથી મેળવીશું, એક ઘર,
આંખોના શ્વાસનું…

તારી આંખોમાં સરકતી સુગંધને,
મેં સ્પર્શી છે મારા દરેક શ્વાસમાં,
મારા ગીતોના દરેક પુષ્પોથી તમને,
મનભરીને મેળવ્યા છે આભાસમાં,

અને પછી, સ્વપ્નને લાગ્યો છે દવ,
ત્યારે શાંત ઝરુખેથી ઉડ્યુ છે એક પંખી
પોતાની પાંખોમાં, આકાશની એકલતા લઇને
ને મે સ્પર્શ્યો છે આપનો,
સુવાસીત પાલવ મનોમન…

હા, તેની જ પાંખના ફફડાટથી તો,
શ્વાસ મારા રોકાય જાય છે

હું ત્યાંજ હોઉં છું પડેલો,
હું ત્યાંજ શ્વસુ છું ઢળેલો,
તમને મળ્યાની ક્ષણોની સુગંધને સથવારે

– રાજીવ

સોરઠી-અરમાન

એપ્રિલ 20, 2007

india.jpg 

નથી કંગાળ માનસ ઓગળ્યુ, પણ યથાવત છે,
અને કહેવા માટે સૌ કહે છે, અમારો દેશ ભારત છે

નરી પશ્ચીમની સજધજ પૂર્વમાં લહેરાય છે
ખબર પડતી નથી આ હિંદ છે કે વિલાયત છે

ધરાં પર ધાન્યના ઢગલા, ફરી ઠલવાય તો સારુ
સરીતા દુધ અને દહીંની, ફરીથી છલકાય તો સારુ

ઝમાનો વેજીટેબલ ઘી તણો, આ જાય તો સારુ
અને સાચુ ઘી શરીરોંમા હવે સીંચાય તો સારુ

અમારા સોરઠી સંતોના દીલમાં એકજ અરમાન છે…
કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારુ

નજર કરડી અમારા દેશ પર મંડાઇ છે આજે…
અમે ભાઇ ગણ્યા તા તે કસાઇ થાય છે આજે…

વતન વાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાઈ છે આજે…
હીમાલયના હૃદયમાં આગ ભડકાં થાય છે આજે…

વતનની લાજ આવા વખતે જો સચવાય તો સારુ…
કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારુ

– “અનમોલ” કુતુબ આઝાદ

દિવસો જુદાઇના જાય છે

એપ્રિલ 18, 2007

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)