
રાધે શ્યામ… રાધે શ્યામ… રાધે શ્યામ…
અને જો આમાથી રાધાને બાદ કરો તો વધશે ફકત…
આધે શ્યામ… આધે શ્યામ… આધે શ્યામ…
કવિ શ્રી મુકેશ જોશીએ રાધાને કેન્દ્રમાં રાખીને લખેલી થોડી પંકિત કે જે મને અતિ પ્રિય છે તે તેમનાજ શબ્દોમાં (જો મારી ભુલ થતી ન હોય તો) અહી રજુ કરી છે, અને તે પછી એજ વિષય પર મારી પોતાની સછંદ રચના આપ સૌના માટે આપી રહ્યો છું.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
- મુકેશ જોશી
આભારઃ ઉર્મિસાગર
****************************************
મિત્રો, હવે એજ વિષય પર મારી લખેલી રચના વાંચો… આશા રાખુ કે આપને ગમશે… આ રચનામાં મે “ગાલગાગા” ના ત્રણ આવર્તનો વાપર્યા છે… મને એકદમ પાકી ખબર નથી કે આવો કોઈ છંદ છે કે નહી? જાણકાર મિત્રો આ બાબતે વધુ પ્રકાશ પાડશે તેવી આશા…!

શ્યામ તારી વાંસળીનો સૂર રાધા
તોય તારાથી રહી છે દૂર રાધા
ધીમી ધારે જો વહે છે પ્રેમ તારો
ને ધસમસતુ લાગણીનુ પૂર રાધા
શ્વેત રંગને શ્યામ માટે છોડી દઈને
શ્યામ તારા રંગમાં ચકચૂર રાધા
મોહી ગઈ છે વાંસળીના સુરમા ને
કાલિંદી કાંઠે જવા આતુર રાધા
માધવે ઉચ્ચારી ફુરુક્ષેત્રમાં જે
તે ગીતાના જ્ઞાનનુ અંકુર રાધા
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા
– રાજીવ ગોહેલ